અફઘાનિસ્તાનમાં ભયાનક અકસ્માત: પાકિસ્તાનથી વતન પરત ફરતા શરણાર્થીઓની ટ્રક પલટી, 10 બાળકો અને 5 મહિલાઓ સહિત 18ના કમકમાટીભર્યા મોત, 35 ઘાયલ

આ વખતની એક અત્યંત દુઃખદ અને મોટી ખબર અફઘાનિસ્તાનથી સામે આવી રહી છે. પાકિસ્તાનથી પોતાના વતન અફઘાનિસ્તાન પરત ફરી રહેલા શરણાર્થીઓથી ભરેલી એક ટ્રક પલટી જતાં 18 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે ૩૫થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ભયાનક અકસ્માતને પગલે ચીખ-પુકાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ બચાવ કામગીરી શરૂ કરીને ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન સરકાર દ્વારા અફઘાન શરણાર્થીઓને દેશ છોડવા મજબૂર કરાયા બાદ આ તમામ લોકો પોતાના વતન પરત ફરી રહ્યા હતા ત્યારે જ માર્ગમાં આ કાળમુખો અકસ્માત નડ્યો હતો.

મૃતકોમાં 10 નિર્દોષ બાળકો અને 5 મહિલાઓ સામેલ

સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે, શનિવારે પૂર્વ અફઘાનિસ્તાનના એક વ્યસ્ત હાઇવે પર આ હૃદયદ્રાવક ઘટના બની હતી. પ્રાંતના ગવર્નરના પ્રવક્તા અબ્દુલ મલિક નિયાઝઈએ માહિતી આપતા જણાવ્યું કે, આ અકસ્માત લઘમાન પ્રાંતમાં કાબુલ અને નંગરહાર પ્રાંતને જોડતા મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સર્જાયો હતો. મૃતકોમાં કમનસીબે 10 માસૂમ બાળકો અને ૫ મહિલાઓ સામેલ છે. ઘાયલો પૈકી મોટાભાગના લોકોની સ્થિતિ ગંભીર હોવાથી તેમને નંગરહારની સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ, તાલિબાન સરકારના મુખ્ય પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે આ દર્દનાક ઘટના પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી પીડિત પરિવારો પ્રત્યે સંવેદના પ્રગટ કરી છે.

પાકિસ્તાન અને ઇરાનમાંથી અફઘાન શરણાર્થીઓની બળજબરીથી હાંકી કાઢવાની નીતિ

આ અકસ્માતનો ભોગ બનેલા મુસાફરો એ હજારો અફઘાન નાગરિકોનો હિસ્સો હતા, જેમને તાજેતરમાં પાકિસ્તાનમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. પાકિસ્તાન સરકારે વર્ષ 2023થી પોતાના દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી પ્રવાસીઓ સામે કડક ઝુંબેશ શરૂ કરી છે, જેના કારણે લાખો અફઘાનિસ્તાનીઓને કાં તો ડિપોર્ટ (દેશનિકાલ) કરવામાં આવ્યા છે અથવા તો બળજબરીથી દેશ છોડવા મજબૂર કરાયા છે.

આ જ સમયગાળા દરમિયાન પડોશી દેશ ઇરાને પણ અફઘાન શરણાર્થીઓને હાંકી કાઢવાની પ્રક્રિયા તેજ કરી દીધી હતી. ત્યારથી લઈને અત્યાર સુધીમાં લાખો અફઘાન નાગરિકો બંને દેશોમાંથી પોતાના વતન પરત ફરવા મજબૂર બન્યા છે. આ કમનસીબ લોકોમાં એવા હજારો નાગરિકો પણ સામેલ છે જેમનો જન્મ જ પાકિસ્તાનમાં થયો હતો. અને તેઓએ ત્યાં દાયકાઓ સુધી રહીને મજૂરી અને રોજગાર કર્યો હતો. વતન પરત ફરતી વખતે સર્જાયેલી આ દુર્ઘટનાએ વૈશ્વિક સ્તરે શરણાર્થીઓની કફોડી સ્થિતિ પર ચિંતા જગાવી છે.

Leave a Comment

READ MORE

READ MORE