અમદાવાદ શહેરમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે પોલીસની પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ (PCB)ની ટીમે એક મોટી સફળતા મેળવી છે. PCBની ટીમે નિકોલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા એસ.પી. રિંગરોડ પર દાસ્તાન સર્કલ પાસેથી એક શંકાસ્પદ કન્ટેનર ટ્રકને આંતરીને તેમાંથી ₹1 કરોડ 19 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂના જથ્થા સહિત કન્ટેનર મળીને કુલ ₹1.34 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ચોક્કસ બાતમીના આધારે ઓપરેશન
મળતી માહિતી મુજબ, PCBની ટીમને ચોક્કસ અને ગુપ્ત બાતમી મળી હતી કે એક મોટા કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો અમદાવાદ તરફ આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે દાસ્તાન સર્કલ પાસે વોચ ગોઠવીને કન્ટેનરને અટકાવ્યું હતું. કન્ટેનર ખોલીને તપાસ કરતા તેમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી ટ્રક ડ્રાઈવર હનુમાન રામ ચૌધરીની અટકાયત કરી લીધી છે.
બૂટલેગરોનો પ્લાન: ઉદયપુરથી વડોદરા સુધીનું નેટવર્ક
પોલીસની પ્રાથમિક તપાસમાં દારૂની હેરાફેરીના આખા રૂટનો પર્દાફાશ થયો છે:
-
મુખ્ય રૂટ: આ કન્ટેનર ટ્રક રાજસ્થાનના ઉદયપુરથી નીકળ્યો હતો.
-
ગુજરાતમાં પ્રવેશ: બૂટલેગરોએ દારૂ ગુજરાતમાં ઘુસાડવા માટે ઉદયપુરથી હિંમતનગર, નાના ચિલોડા અને ત્યાંથી અમદાવાદનો રૂટ પસંદ કર્યો હતો.
-
આગળનું કનેક્શન: આ જથ્થો અમદાવાદ થઈને વડોદરા એક્સપ્રેસ હાઈવે મારફતે વડોદરા તરફ મોકલવાનો પ્લાન હતો.
આગળની કાર્યવાહી: પોલીસે હાલમાં ટ્રક ડ્રાઈવરની ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરી છે. આ દારૂનો જથ્થો કોણે મંગાવ્યો હતો અને ગુજરાતમાં આ નેટવર્ક પાછળ કયા સ્થાનિક બૂટલેગરો સામેલ છે, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
Post Views: 27










