બોડેલી કેનાલ નજીકથી ગૌરક્ષકો અને AIMIM ના અગ્રણી શાહિદ મન્સૂરી દ્વારા સંયુક્ત રીતે સમયસૂચકતા વાપરીને ગૌવંશ ભરેલી એક શંકાસ્પદ પિકઅપ ગાડીને ઝડપી પાડવામાં આવી હોવાની વિગતો સામે આવી રહી છે. આ ગાડીમાં ક્રૂરતાપૂર્વક ચપોચપ રીતે બાંધેલી હાલતમાં કુલ 7 જેટલા ગૌવંશને ભરીને લઈ જવામાં આવી રહ્યા હતા.
કતલખાને લઈ જવાતી હોવાની આશંકા: જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ
સ્થાનિક ગૌરક્ષકો અને શાહિદ મન્સૂરીના જણાવ્યા અનુસાર, આ ગૌવંશને ગેરકાયદેસર રીતે કતલખાને ધકેલવાના ઈરાદે અથવા તો મહારાષ્ટ્ર તરફ ગૌહત્યા માટે લઈ જવામાં આવી રહ્યો હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. જેને પગલે જાગૃતતા દાખવીને આ આખી પિકઅપ ગાડીને સમયસર આંતરી લેવામાં આવી હતી અને મૂંગા પશુઓને ક્રૂરતાના ચંગુલમાંથી મુક્ત કરાવાયા હતા.
આ ઘટનાને પગલે સમગ્ર પંથકના જીવદયાપ્રેમીઓ, ગૌભક્તો અને સ્થાનિક આગેવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોમાં આ બાબતને લઈને તીવ્ર ચર્ચા જાગી છે, તેમજ આ પ્રકારે પશુઓની ગેરકાયદેસર હેરાફેરી કરીને કાયદો હાથમાં લેતા અસામાજિક તત્વો સામે પોલીસ દ્વારા કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી રહી છે.
રીપોર્ટર: અંજુમ ખત્રી, છોટાઉદેપુર
Post Views: 33










