તાજેતરમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ઝાલોદ તાલુકા પંચાયતની રચના કરવામાં આવી છે. જેમાં ભાજપને બહુમતી મળતા શ્રી સુરેશભાઈ ખીમાભાઇ કટારાને ઝાલોદ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ પ્રસંગે આમ આદમી પાર્ટી (AAP) ઝાલોદ વિધાનસભાના પ્રભારી અને પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી અનિલભાઈ ગરાસિયા અને પક્ષના કાર્યકરોએ ખાસ મુલાકાત લઈ નવનિયુક્ત પ્રમુખને પુષ્પગુચ્છ આપી અભિનંદન પાઠવ્યા હતા.

પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને લોકહિતના કાર્યો કરવા અપીલ
આ મુલાકાત દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રતિનિધિ મંડળે ઝાલોદ તાલુકાના સર્વાંગી વિકાસ અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી. પ્રભારી અનિલભાઈ ગરાસિયાએ જણાવ્યું હતું કે, ચૂંટણીના પરિણામોમાં ભાજપને 9, કોંગ્રેસને 5, આમ આદમી પાર્ટીને 3 અને અપક્ષના 3 મળી કુલ 20 તાલુકા સભ્યો ચૂંટાઈ આવ્યા છે. લોકશાહીના આ પવિત્ર મંચ પર હવે પક્ષ કે વિચારધારા કરતા જનતાનો વિકાસ સર્વોપરી હોવો જોઈએ.
તેમણે પ્રમુખશ્રીને આગ્રહ કર્યો હતો કે, તાલુકાના વિકાસલક્ષી કામોમાં કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વગર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોના વિસ્તારમાં પણ સમાન ગ્રાન્ટ ફાળવવામાં આવે અને વિકાસકાર્યોમાં પૂરતો સહકાર આપવામાં આવે. જેથી તાલુકાની જનતાને તેનો સીધો લાભ મળી શકે.
આ અભિનંદન સમારોહમાં આમ આદમી પાર્ટીના કાર્યકારી તાલુકા પ્રમુખ મૂકેશભાઈ ખડીયા, વિનોદભાઈ ખડીયા, દિનેશભાઈ અડ, દિનેશભાઈ ડામોર, બચુભાઇ મછાર, તેમજ કોંગ્રેસના તાલુકા પ્રમુખ જગુભાઈ સંગાડા સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
નવનિયુક્ત પ્રમુખે પણ સૌના સહકારથી ઝાલોદ તાલુકાના વિકાસ માટે હકારાત્મક અભિગમ સાથે કામ કરવાની ખાતરી આપી હતી.
Post Views: 45











