દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા સ્થિત જિલ્લા સેવા સદન ખાતે તમામ વહીવટી અને સરકારી કચેરીઓ આવેલી હોવાથી રોજબરોજ હજારો નાગરિકો પોતાના વહીવટી કામકાજ અર્થે અહીં આવે છે. જો કે, આ મહત્વપૂર્ણ સરકારી સંકુલ પાસે યોગ્ય ઓવરબ્રિજની સુવિધા ન હોવાના કારણે સ્થાનિકો અને અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં જિલ્લા સેવા સદનથી લાલપુર તરફ જતા માર્ગ પર માત્ર એક અત્યંત સાંકડો પુલ આવેલો છે. જે વર્તમાન ટ્રાફિકના ભારણને વહન કરવામાં અપૂરતો સાબિત થઈ રહ્યો છે.
આ સાંકડા પુલ પરથી દરરોજ કચેરીના સ્ટાફ ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોના અસંખ્ય વાહનચાલકો પસાર થાય છે. પુલની પહોળાઈ ઓછી હોવાને કારણે મોટા અને ભારે વાહનો અહીંથી પસાર થઈ શકતા નથી. જેના લીધે વારંવાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. આ ઉપરાંત, દર ચોમાસામાં આ નીચો પુલ પાણીમાં ગરકાવ થઈ જવાના બનાવો બને છે. પાણીના ભરાવા અને સાંકડા રસ્તાના કારણે અહીં અકસ્માતોનું પ્રમાણ પણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, જે વાહનચાલકો માટે જીવનું જોખમ ઊભું કરે છે.
જનતાની આ હાલાકીને વાચા આપવા માટે ખંભાળિયાના જાણીતા સામાજિક કાર્યકર હિતેશભાઈ રાયચુરા તથા સાહિલભાઈ રાયચુરા દ્વારા જિલ્લા કલેક્ટરને એક લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ આવેદનપત્રમાં તેમણે માંગ કરી છે કે વાહનચાલકોની સુરક્ષા અને ટ્રાફિકની કાયમી સમસ્યાના નિવારણ માટે જિલ્લા સેવા સદન પાસે તાત્કાલિક અસરથી નવો અને સુવિધાજનક ઓવરબ્રિજ મંજૂર કરવામાં આવે, જેથી ચોમાસા દરમિયાન સર્જાતી કટોકટી અને અકસ્માતો અટકાવી શકાય.
Post Views: 27










