IPL 2026: અમદાવાદના મેદાને જામશે ફાઇનલનો મહાજંગ, રાજસ્થાનને હરાવી ગુજરાત ટાઇટન્સ ફાઇનલમાં; હવે RCB સામે ટક્કર

ગુજરાત ટાઇટન્સે આઇપીએલ ૨૦૨૬ ના ક્વોલિફાયર-૨ મુકાબલામાં શાનદાર પ્રદર્શન કરતા રાજસ્થાન રોયલ્સને ૭ વિકેટે પરાજય આપીને ફાઇનલમાં સત્તાવાર પ્રવેશ કરી લીધો છે. હવે ૩૧ મેના રોજ રમાનારી મહાપોર્ટ ફાઇનલ મેચમાં ગુજરાત ટાઇટન્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે થશે. જ્યાં ગુજરાતની ટીમ પોતાની બીજી આઇપીએલ ટ્રોફી જીતવાના ઇરાદા સાથે મેદાને ઉતરશે.

રાજસ્થાનનો ૨૧૪ રનનો વિશાળ સ્કોર, વૈભવ સૂર્યવંશી સદી ચૂક્યો

મેચમાં પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સની ટીમે નિર્ધારિત ૨૦ ઓવરમાં ૨૧૪ રનનો મજબૂત સ્કોર ઊભો કર્યો હતો. રાજસ્થાન વતી મુંલ્લાપુરના મેદાન પર યુવા ઓપનર વૈભવ સૂર્યવંશીનું બેટ ફરી એકવાર જોરદાર ગરજ્યું હતું. વૈભવ સૂર્યવંશીએ વિસ્ફોટક અંદાજમાં બેટિંગ કરતા માત્ર ૪૭ બોલમાં ૯૬ રનની તોફાની ઇનિંગ રમી હતી, જોકે તે માત્ર ૪ રન માટે પોતાની સદી ચૂકી ગયો હતો. તેના સિવાય રવિન્દ્ર જાડેજાએ ૩૫ બોલમાં ૪૫ રનનું યોગદાન આપ્યું હતું. ઇનિંગની અંતિમ ઓવરોમાં ડોનોવન ફરેરાએ રાશિદ ખાનની છેલ્લી ઓવરમાં ૨૭ રન ફટકારીને મેચનો નકશો બદલી નાખ્યો હતો. ફરેરાએ માત્ર 11 બોલમાં 38 રનની આક્રમક ઇનિંગ રમીને ટીમના સ્કોરને 200ને પાર પહોંચાડ્યો હતો.

ગિલ-સુદર્શનની ઓપનિંગ જોડીનો સપાટો: શુભમનની શાનદાર સદી

૨૧૫ રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સની શરૂઆત અત્યંત વિસ્ફોટક રહી હતી. ગુજરાતના બંને ઓપનરોએ શરૂઆતથી જ રાજસ્થાનના બોલરો પર પ્રભુત્વ મેળવ્યું હતું. શુભમન ગિલ અને સાઈ સુદર્શને પ્રથમ વિકેટ માટે માત્ર ૧૨.૫ ઓવરમાં જ ૧૬૭ રનની સ્પેસશીપ ભાગીદારી કરીને જીતનો પાયો નાખી દીધો હતો. સાઈ સુદર્શને ૩૨ બોલમાં ૫૮ રનની ઉપયોગી ઇનિંગ રમી હતી, જ્યારે કેપ્ટન શુભમન ગિલે મોરચો સંભાળતા ૫૩ બોલમાં ૧૦૪ રનની યાદગાર સદી ફટકારીને ટીમને જીતની નજીક પહોંચાડી હતી.

ગુજરાત ટાઇટન્સે કોઈપણ મોટી મુશ્કેલી વિના, ૮ બોલ બાકી રાખીને જ ૭ વિકેટે આ મેચ પોતાના નામે કરી લીધી હતી. રાજસ્થાન તરફથી વૈભવની ૯૬ રનની લડાયક ઇનિંગ આખરે એળે ગઈ હતી અને ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. હવે રવિવારે રમાનારા ગ્રાન્ડ ફિનાલેમાં ગુજરાત અને બેંગલુરુ વચ્ચે ચેમ્પિયન બનવા માટે ખરાખરીનો જંગ જામશે.

Leave a Comment

READ MORE

READ MORE