ભારતીય સેનાને આજે (શનિવારે) જમ્મુ-કાશ્મીરમાંથી 538 નવા જાંબાઝ સૈનિકો મળ્યા છે. 24 અઠવાડિયાની અત્યંત કઠિન તાલીમ પૂર્ણ કર્યા બાદ, આ જવાનોએ દેશની રક્ષા માટે પોતાની જાન ન્યોછાવર કરવાની પવિત્ર શપથ લીધી હતી. આ ગૌરવપૂર્ણ ક્ષણે સૈનિકોના પરિવારોના મસ્તક ગર્વથી ઊંચા થઈ ગયા હતા. સૌથી મોટી અને વિશેષ વાત એ છે કે આ સૈનિકોમાંથી 500થી વધુ જવાનો માત્ર કાશ્મીર ખીણના જ વતની છે. શ્રીનગર ખાતે આવેલા જમ્મુ એન્ડ કાશ્મીર લાઇટ ઇન્ફન્ટ્રી (JAKLI) રેજિમેન્ટલ સેન્ટરનું પરેડ ગ્રાઉન્ડ આજે સેના પ્રત્યેની વફાદારી અને દેશભક્તિના નારાઓથી ગૂંજી ઉઠ્યું હતું. જ્યાં 538 અગ્નિવીરોના ૭મા બેચે ભારતીય સેનાની ભવ્ય પરંપરા મુજબ પાસિંગ આઉટ પરેડ યોજી માર્ચ પાસ્ટ કરી હતી.
શ્રીનગરમાં યોજાઈ ભવ્ય પાસિંગ આઉટ પરેડ
આ શાનદાર અને ભવ્ય પાસિંગ આઉટ પરેડની શોભા વધારવા માટે સેનાના અનેક ઉચ્ચ અધિકારીઓ અને ખાસ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મુખ્ય અતિથિ તરીકે ૧૬ કોરના જીઓસી (GOC) લેફ્ટનન્ટ જનરલ પી. કે. મિશ્રા સહિતના લશ્કરી અધિકારીઓ હાજર રહ્યા હતા. જેમની પ્રેરણાદાયી ઉપસ્થિતિએ આ ઐતિહાસિક ક્ષણને વધુ ખાસ બનાવી દીધી હતી.
અગ્નિવીરોના માતા-પિતા માટે ગૌરવ અને ભાવુકતાની ક્ષણ
જ્યારે સેનાના ઉચ્ચ અધિકારીઓએ આ ખાસ પ્રસંગે દેશના આ નવા રક્ષકોને મેડલ આપી સન્માનિત કર્યા, ત્યારે તેમના માતા-પિતા પોતાના લાડકવાયા દીકરાઓને સેનાના ગણવેશમાં જોઈને ભાવુક થઈ ગયા હતા અને તેમની આંખોમાં ગર્વના આસુ છલકાયા હતા. પોતાના સંતાનોએ આજે દેશસેવા કાજે સર્વોચ્ચ બલિદાન આપવાનો સંકલ્પ કર્યો છે તે અહેસાસ દરેક પરિવાર માટે ખૂબ જ ગૌરવશાળી હતો.
આ માત્ર પરેડ નથી, આતંકવાદ સામે ભારતની સાર્વભૌમત્વનો મજબૂત જવાબ છે
આ પાસિંગ આઉટ પરેડ માત્ર એક ઔપચારિક કાર્યક્રમ નહોતો, પરંતુ તમામ પડકારો વચ્ચે ભારતની અખંડિતતા અને મજબૂત સંકલ્પ શક્તિનું જીવંત ઉદાહરણ હતું. જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલાઓના સંદર્ભમાં, સ્થાનિક યુવાનોની સેનામાં આ મોટા પાયે એન્ટ્રી દેશની એકતા, તાકાત અને સુરક્ષાના એક અત્યંત મજબૂત પ્રતીક તરીકે જોવામાં આવી રહી છે.
દેશ સેવા કાજે ખભેથી ખભો મિલાવી આગળ વધતા કાશ્મીરી યુવાનો
પોતાના પુત્રોને દેશની રક્ષા માટે સમર્પિત કરનારા ત્યાગી માતા-પિતાને પણ આ પ્રસંગે વિશેષ ગૌરવ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. જ્યારે સૈન્ય સલામીની ગૂંજ કાશ્મીરની ઠંડી હવામાં ગુંજી ઉઠી અને દેશનો તિરંગો નીલા આકાશ નીચે ગર્વભેર લહેરાયો, ત્યારે ત્યાંથી એક સ્પષ્ટ સંદેશ ગયો કે – જમ્મુ-કાશ્મીરના નવયુવાનો માત્ર પ્રગતિના પંથે આગળ જ નથી વધી રહ્યા, પરંતુ દેશની રક્ષા માટે ખભેથી ખભો મિલાવીને સરહદ પર અડીખમ ઊભા છે. તેમના હૃદયમાં માત્રને માત્ર દેશભક્તિની જ ધડકન ધડકી રહી છે.
આ પાસિંગ આઉટ પરેડમાં સામેલ સૈનિકોના પરિવારો, જેમાં કોઈના ભાઈ, કોઈના પુત્ર તો કોઈના પતિ દેશના સત્તાવાર રક્ષક બન્યા હતા, તેઓ ભારે ખુશ નજરે પડતા હતા. વર્ષોનું સપનું આજે દેશ સેવાની શપથ સાથે સાકાર થતાં દરેક દેશવાસીનું દિલ ગદ્ગદિત થઈ ગયું હતું.
Post Views: 24










