ડીસા તાલુકાના દાણા ગામે SMCની પ્રોહિબિશન રેડ, રૂ. 20.57 લાખનો મુદ્દામાલ જપ્ત

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના દાણા ગામ ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તારીખ 28/05/2026ના રોજ કરવામાં આવેલી પ્રોહિબિશન રેડ દરમિયાન વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.

આ કામગીરી દરમિયાન પોલીસે કુલ 3,707 ઈન્ડિયન મેઇડ ફોરેન લિકર (IMFL) ની બોટલો કબજે કરી હતી. જેની અંદાજિત કિંમત રૂ. 10,57,990 ગણાવવામાં આવી છે. સાથે જ દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ એક વાહન પણ જપ્ત કરવામાં આવ્યું હતું.જેની કિંમત આશરે રૂ. 10 લાખ હોવાનું જણાવાયું છે. આમ કુલ રૂ. 20,57,909નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

ઝડપાયેલા દારૂના જથ્થામાં રાજસ્થાન તથા મુંબઈ સ્થિત વિવિધ જાણીતી કંપનીઓના બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. જેમાં યુનાઇટેડ બ્રુઅરીઝ, યુનાઇટેડ સ્પિરિટ્સ, એલાઈડ બ્લેન્ડર્સ એન્ડ ડિસ્ટિલર્સ, પર્નોડ રિકાર્ડ ઇન્ડિયા, રેડિકો ખૈતાન સહિતની કંપનીઓનો સમાવેશ થાય છે.

આ મામલે ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ 65(A)(E), 81, 83, 98(2), 116(B) તેમજ ભારતીય ન્યાય સંહિતાની કલમ 336(2), 336(3), 340(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસે તપાસ દરમિયાન કુલ 6 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. જેમાં રાજસ્થાનના સાંછોર વિસ્તારના ભવેશ ઉર્ફે ભગારામ હિરાજી ચૌધરી અને પ્રહલાદ સવલારામ ચૌધરીના નામ સામે આવ્યા છે. જ્યારે ઇનોવા કારનો ડ્રાઈવર, ક્લીનર તથા દારૂ સ્વીકારનાર વ્યક્તિઓની ઓળખ મેળવવા તપાસ શરૂ કરવામાં આવી છે.

આ સમગ્ર કામગીરી SMCના PSI વી. એન. જાડેજાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા અન્ય શખ્સોને ઝડપવા તપાસ વધુ તેજ કરવામાં આવી છે.

Leave a Comment

READ MORE

READ MORE