આધુનિક યુદ્ધમાં ડ્રોન અને સ્વાર્મ (ઝુંડમાં થતા) હુમલાઓ સૈન્ય સુરક્ષા માટે સૌથી મોટો પડકાર બની ગયા છે. ત્યારે ભારતીય સેનાની ડ્રોન સુરક્ષા વ્યવસ્થાને અભેદ્ય બનાવવા માટે એક મોટી સફળતા મળી છે. સોલર ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજીથી વિકસાવવામાં આવેલી ‘ભાર્ગવાસ્ત્ર’ કાઉન્ટર-ડ્રોન સિસ્ટમ હવે તેના અંતિમ પરીક્ષણના તબક્કામાં પહોંચી ગઈ છે. આ અત્યાધુનિક ડિફેન્સ સિસ્ટમના તમામ પરીક્ષણો ડિસેમ્બર 2026 સુધીમાં પૂર્ણ થવાની પ્રબળ સંભાવના છે. દુશ્મનના ડ્રોન, લોઇટરિંગ મ્યુનિશન અને ખાસ કરીને એકસાથે થતા ડ્રોનના સામૂહિક હુમલાઓને નેસ્તનાબૂદ કરવાના વિશેષ હેતુથી આ સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે.
આ કાઉન્ટર-ડ્રોન સિસ્ટમ અત્યંત આધુનિક લેયર્ડ હાર્ડ-કિલ ઇન્ટરસેપ્શન આર્કિટેક્ચર પર કામ કરે છે, જેની મારક ક્ષમતા અદભુત છે. આ સિસ્ટમના સિંગલ લોન્ચરમાંથી માત્ર 10 સેકન્ડની અંદર 64 માઇક્રો-રોકેટ અથવા મિસાઇલો એકસાથે દાગી શકાય છે. આ પ્રચંડ વેગના કારણે તે દુશ્મનના ઘાતક ડ્રોન સ્વાર્મ હુમલાઓને નિષ્ફળ બનાવવા માટે સર્વશ્રેષ્ઠ સાબિત થશે. કાર્યક્ષમતાની દ્રષ્ટિએ આ સિસ્ટમ મધ્યમ અને મોટા કદના યુએવી (UAV) ને 10 કિલોમીટર દૂરથી અને નાના ડ્રોનને 6 કિલોમીટરથી વધુના અંતરેથી જ શોધી કાઢવામાં સક્ષમ છે.
ભાર્ગવાસ્ત્ર સિસ્ટમમાં બે અલગ-અલગ પ્રકારના હથિયારો ગોઠવવામાં આવ્યા છે. જે તેને કોઈપણ પરિસ્થિતિમાં સચોટ બનાવે છે. સામૂહિક હુમલાઓને રોકવા માટે આમાં અનગાઇડેડ માઇક્રો-રોકેટ્સનો ઉપયોગ થાય છે. જે આકાશમાં ખૂબ મોટા વિસ્તારને એકસાથે કવર કરી લે છે. જ્યારે ચોક્કસ ટાર્ગેટને તોડી પાડવા માટે ગાઇડેડ માઇક્રો-મિસાઇલોનો ઉપયોગ કરવામાં આવે છે. જે હિટ-ટુ-કિલ ટેકનોલોજીના આધારે લક્ષ્યને સીધું જ હવામાં ફૂંકી મારે છે. આ આખી સિસ્ટમ સીફોરઆઈ (C4I) નેટવર્ક સાથે જોડાયેલી છે અને તેમાં હાઇટેક ઇઓ/આઇઆર (EO/IR) સેન્સર્સ લાગેલા હોવાથી તે દિવસ-રાત કે કોઈપણ પ્રતિકૂળ હવામાનમાં પણ સચોટ રીતે ઓપરેટ થઈ શકે છે.
ભારતની વૈવિધ્યસભર ભૌગોલિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને જ આ સિસ્ટમનું ખાસ ડિઝાઈનિંગ કરવામાં આવ્યું છે. આ ડિફેન્સ સિસ્ટમ ધગધગતા રણ પ્રદેશો, મેદાની વિસ્તારો અને 5000 મીટર સુધીની અત્યંત ઊંચાઈવાળા પહાડી ક્ષેત્રોમાં પણ સમાન ક્ષમતાથી દુશ્મનોનો ખાતમો કરી શકે છે. જે તેને સરહદની સુરક્ષા અને મહત્વના સૈન્ય મથકોની રક્ષા માટે સર્વોત્તમ વિકલ્પ બનાવે છે. આજની તારીખે કોઈપણ મોંઘી એર ડિફેન્સ સિસ્ટમ ડ્રોન સામે 100% સુરક્ષા આપી શકતી નથી. પરંતુ વ્યૂહાત્મક વિસ્તારોમાં 4 થી 6 ભાર્ગવાસ્ત્ર સિસ્ટમ તૈનાત કરવાથી દુશ્મનના સેચ્યુરેશન એટેકને ખૂબ જ ઓછી કિંમતે અને સરળતાથી રોકી શકાશે. સંપૂર્ણ ભારતીય કંપનીઓ દ્વારા નિર્મિત આ સિસ્ટમ સેનાની તાકાત વધારવાની સાથે સંરક્ષણ ક્ષેત્રે વિદેશી નિર્ભરતા ઘટાડી આત્મનિર્ભરતા તરફ ભારતનું એક મોટું કદમ સાબિત થશે.
Post Views: 49











