સલમાન ખાનની ‘અકેલે ઔર તન્હા’ વાળી પોસ્ટ પર મચ્યો હોબાળો, અભિનેતાએ મૌન તોડતા કહ્યું: મારી મમ્મી પણ ચિંતામાં મુકાઈ ગઈ હતી…

બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાને તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક અત્યંત ભાવુક પોસ્ટ શેર કરીને પોતાના કરોડો ચાહકોને ભારે ચિંતામાં મૂકી દીધા હતા. અભિનેતાએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, “પોતાની સાથે રહેવાના બે રસ્તા હોય છે – એક ‘અકેલે’ (એકલા) અને બીજું ‘તન્હા’ (એકાંત).” સલમાન ખાનની આ રહસ્યમય પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર અટકળોનું બજાર ગરમ થઈ ગયું હતું. અને ફેન્સ ભાઈજાનની માનસિક સ્થિતિ તેમજ અંગત જીવનને લઈને જાતભાતની ચર્ચા કરવા લાગ્યા હતા. સોશિયલ મીડિયા પર સતત વધી રહેલી આ ચર્ચાઓ વચ્ચે આખરે અભિનેતાએ પોતે સામે આવીને આ સમગ્ર મામલે સ્થિતિ સ્પષ્ટ કરી છે.

સલમાન ખાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક નવી પોસ્ટ શેર કરીને ફેન્સની ચિંતા દૂર કરતા લખ્યું છે કે, “અરે યાર, હું મારા પોતાના વિશે કોઈ વાત નહોતો કરી રહ્યો. જ્યારે મારી પાસે આટલો મોટો અને શાનદાર પરિવાર તેમજ અદભુત મિત્રો છે, તો પછી હું એકલો કેવી રીતે હોઈ શકું? તમારા બધાની પ્રાર્થનાઓ અને અઢળક પ્રેમની વચ્ચે હું ક્યારેય એકલો પડી જ ન શકું, જો હું એવું વિચારું તો હું દુનિયાનો સૌથી મોટો અણસમજુ સાબિત થાઉં.” આ સાથે જ ભાઈજાને મજાકિયા અંદાજમાં ઉમેર્યું હતું કે, ક્યારેક ક્યારેક સતત લોકોની વચ્ચે રહેવાથી થાક લાગી જાય છે. તેથી થોડો અંગત સમય જોઈતો હોય છે.

આ વિવાદ પર સ્પષ્ટતા કરતા સલમાને એ પણ ખુલાસો કર્યો કે તેની આ અગાઉની પોસ્ટને કારણે તેની માતા સલમા ખાન પણ ખૂબ પરેશાન થઈ ગઈ હતી. સલમાને આગળ લખ્યું કે, “આ વખતે મેં મારો કોઈ ફોટો પોસ્ટ ન કર્યો તો લોકોએ તેને બ્રેકિંગ ન્યૂઝ બનાવી દીધા! મમ્મી પણ પૂછી રહી છે કે – બેટા શું થયું છે? પ્લીઝ ચિલ મારો યાર.” સલમાન ખાનના આ ખુલાસા બાદ તેના ચાહકોએ હાશકારો અનુભવ્યો છે. અને સોશિયલ મીડિયા પર અફવાઓનો અંત આવ્યો છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો, સલમાન ખાન હાલમાં સાઉથના જાણીતા દિગ્દર્શક વામશી પેડિપલ્લીની આગામી ફિલ્મ ‘SVC63’ ના શૂટિંગમાં વ્યસ્ત છે, જેમાં તેની સાથે સાઉથ સુપરસ્ટાર નયનતારા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ આગામી વર્ષે ઈદના ખાસ તહેવાર પર સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE