બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન શા માટે હોસ્પિટલ ગયા હતા? સામે આવ્યું અસલી કારણ, અફવાઓ પર લાગ્યું પૂર્ણવિરામ

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચના સ્વાસ્થ્યને લઈને છેલ્લા થોડા દિવસોથી સોશિયલ મીડિયા અને મીડિયા જગતમાં અનેક પ્રકારની ચર્ચાઓ અને અફવાઓ ચાલી રહી હતી. કેટલીક ન્યૂઝ ચેનલો અને રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે પેટમાં અસહ્ય દુખાવો અને તકલીફ થવાના કારણે બિગ બીને મુંબઈની હોસ્પિટલમાં ત્રણ દિવસ માટે દાખલ કરવા પડ્યા હતા. જો કે, હવે આ તમામ અટકળો પર પીટીઆઈ (PTI) ના સત્તાવાર સૂત્રો તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે, જેનાથી તેમના કરોડો ચાહકોએ મોટી રાહત અનુભવી છે.

વાસ્તવમાં, મંગળવારે રાત્રે મીડિયાના કેટલાક હિસ્સામાં એવા સમાચાર વહેતા થયા હતા કે અમિતાભ બચ્ચનને પેટ સંબંધિત ગંભીર બીમારીના કારણે મુંબઈની નાનાવટી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. આ અફવાઓ પરથી પડદો હટાવતા પીટીઆઈના સૂત્રોએ સ્પષ્ટ કર્યું છે કે, સદીના મહાનાયકને હોસ્પિટલમાં બિલકુલ દાખલ કરવામાં આવ્યા નહોતા. તેઓ માત્ર પોતાના સ્વાસ્થ્યના નિયમિત ચેકઅપ (રૂટિન મેડિકલ ટેસ્ટ) માટે ત્યાં ગયા હતા. સૂત્રોએ વધુમાં જણાવ્યું કે, 83 વર્ષની ઉંમરે પણ બિગ બી પોતાની ફિટનેસનું ખૂબ જ ધ્યાન રાખે છે અને દર મહિને નિયમિતપણે પોતાના બોડી ચેકઅપ માટે હોસ્પિટલની મુલાકાત લે છે.

દર વખતની જેમ અમિતાભ બચ્ચન પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને બ્લોગ દ્વારા સતત ચાહકો સાથે જોડાયેલા રહે છે. જો કે, તેમણે હોસ્પિટલ જવાની આ અફવાઓ પર વ્યક્તિગત રીતે કોઈ ટિપ્પણી કરી નથી. પરંતુ આ બધાની વચ્ચે, ગયા રવિવારે જ તેઓ મુંબઈ સ્થિત પોતાના બંગલા ‘જલસા’ ની બહાર સ્પોટ થયા હતા. દર રવિવારની પરંપરા મુજબ તેઓ પોતાના ઘરની બહાર એકત્રિત થયેલા ચાહકોનું અભિવાદન કરવા માટે આવ્યા હતા અને આ દરમિયાન તેઓ એકદમ સ્વસ્થ, તંદુરસ્ત અને ખુશખુશાલ દેખાતા હતા, જે સાબિત કરે છે કે, તેમની તબિયત એકદમ ફાઇન છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો, બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન આજે આ ઉંમરે પણ ફિલ્મી પડદે સુપર એક્ટિવ છે અને યુવા કલાકારોને ટક્કર આપી રહ્યા છે. તેઓ ટૂંક સમયમાં જ ડિરેક્ટર રિભુ દાસગુપ્તાની આગામી કોર્ટરૂમ ડ્રામા ફિલ્મ ‘સેક્શન 84’ (Section 84) માં એક પાવરફુલ વકીલની ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય, તેઓ પોતાની બ્લોકબસ્ટર સાયન્સ-ફિક્શન ફિલ્મ ‘કલ્કી 2898 એડી’ (Kalki 2898 AD) ના બીજા ભાગમાં એટલે કે સિક્વલમાં પણ અશ્વત્થામા તરીકે મુખ્ય ભૂમિકા ભજવતા નજરે પડશે.

Leave a Comment

READ MORE

READ MORE