ગુજરાત હાઈકોર્ટના ચુકાદા પર તાત્કાલિક પગલાં લેવા આદેશ: સરકારે બનાવી SOP, બેદરકાર અધિકારીઓ સામે થશે કાર્યવાહી!
ગુજરાત સરકારે હાઈકોર્ટના ચુકાદાઓના સમયબદ્ધ અને અસરકારક પાલનને લઈને વહીવટી પ્રક્રિયાને વધુ જવાબદાર બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. રાજ્યના તમામ વહીવટી વિભાગો માટે એક સત્તાવાર સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) નક્કી કરવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય અદાલતના આદેશોના અમલીકરણમાં થતો બિનજરૂરી વિલંબ અટકાવવાનો અને ‘કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ’ (અદાલતી અવમાનના) જેવી સ્થિતિ ઊભી થતી અટકાવવાનો છે.
નવી SOP ની મુખ્ય જોગવાઈઓ અને નિયમો:
-
ચુકાદો સ્વીકારવા કે અપીલ અંગેનો નિર્ણય: જો કોઈ વિભાગ હાઈકોર્ટના ચુકાદાને સ્વીકારે, તો નાણાં વિભાગના નિયમો અનુસાર તરત કાર્યવાહી કરવાની રહેશે. જો ચુકાદો અસ્વીકાર્ય લાગે અને અપીલ કરવી હોય, તો કાયદા વિભાગની સલાહ લઈને નિયત સમયમર્યાદામાં લિટિગેશનની પ્રક્રિયા શરૂ કરવી પડશે.
-
ડિજિટલ પ્રક્રિયા અને ઈ-ફાઇલિંગ: અપીલ સંબંધિત દરખાસ્ત તૈયાર કરતી વખતે તમામ સંદર્ભિત દસ્તાવેજો ‘ઈ-સરકાર’ પ્રણાલીમાં સ્પષ્ટ હાઈપરલિંક સાથે અપલોડ કરવા અનિવાર્ય રહેશે, જેથી કાગળ અથવા દસ્તાવેજોની અછતને કારણે વિલંબ ન થાય.
-
જવાબદારી અને દંડત્મક પગલાં: જો નિયત સમયમર્યાદાના ઉલ્લંઘન માટે કોઈ અધિકારી જવાબદાર જણાશે, તો લાગુ નિયમો અનુસાર તેવા બેદરકાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની જવાબદારી સંબંધિત વિભાગના વડાની રહેશે.
-
સમય વધારા માટેની જોગવાઈ (Time Extension): જો રેકોર્ડ કે અન્ય વ્યવહારુ કારણોસર સમયસર અમલ શક્ય ન બને, તો મૂળ ચુકાદામાં નિર્ધારિત સમયમર્યાદાની અંદર જ હાઈકોર્ટમાં ‘મિસ્લેનિયસ સિવિલ એપ્લિકેશન ફોર ટાઇમ એક્સટેન્શન’ દાખલ કરીને વધારાનો સમય માંગવાનો રહેશે.
આ નવી SOP થી અમલ, અપીલ અથવા સમયવધારો—આ ત્રણેય પરિસ્થિતિઓ માટે સ્પષ્ટ માર્ગ નક્કી થયો છે, જેનાથી ન્યાયિક આદેશોના પાલનમાં પારદર્શિતા અને ગતિશીલતા આવશે.










