રોમમાં પીએમ મોદી અને જ્યોર્જિયા મેલોનીની વાયરલ સેલ્ફી: જાણો આ ઐતિહાસિક સ્થળની પૂરી કહાની

પાંચ દેશોની સત્તાવાર મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ઇટાલીમાં છે. આ પ્રવાસ દરમિયાન ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પીએમ મોદી સાથે એક શાનદાર સેલ્ફી સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીર શેર કરતા તેમણે લખ્યું, ‘મારા મિત્ર, રોમમાં તમારું સ્વાગત છે.’ આ સેલ્ફીમાં પાછળનો નજારો ખૂબ જ આકર્ષક અને ભવ્ય દેખાઈ રહ્યો છે. જેને લઈને હવે લોકોમાં ઉત્સુકતા જાગી છે કે આખરે આ કયું સ્થળ છે.

વાસ્તવમાં, પીએમ મોદી અને જ્યોર્જિયા મેલોની રોમ અને ઇટાલીની ઐતિહાસિક ઓળખ સમાન ‘કોલોસિયમ’ (Colosseum) ખાતે ઉભા રહીને આ સેલ્ફી લઈ રહ્યા છે. ઈસવીસન 80માં બનેલી આ આશરે 2000 વર્ષ જૂની વિશાળ સંરચના પ્રાચીન રોમન સામ્રાજ્યનું સૌથી મોટું અંડાકાર એમ્ફીથિયેટર (ખુલ્લું સ્ટેડિયમ) હતું. પોતાની ભવ્યતા અને અદભુત ઐતિહાસિક વારસાના કારણે આ ઈમારત દુનિયાની નવી સાત અજાયબીઓમાં સ્થાન ધરાવે છે. એમ્ફીથિયેટર એટલે કે એક એવું ખુલ્લું સ્થળ જ્યાં લોકો સીડી આકારની બેઠકો પર બેસીને વિવિધ કાર્યક્રમોની મજા માણી શકતા હતા.

આજે પણ આ ઈમારત વિશ્વનું સૌથી મોટું અને અડીખમ ઉભેલું એમ્ફીથિયેટર છે. કોંક્રિટ અને પથ્થરોથી બનેલી આ 12 માળ ઊંચી ભવ્ય ઇમારતમાં એક સમયે 60 હજારથી વધુ દર્શકો એકસાથે બેસી શકતા હતા. પ્રાચીન કાળમાં આ સ્થળનો ઉપયોગ હિંસક પશુઓના શિકાર અને ગ્લેડિયેટર્સ (યોદ્ધાઓ) વચ્ચેની લડાઈઓ પ્રદર્શિત કરવા માટે કરવામાં આવતો હતો.

પીએમ મોદી તેમના યુરોપ પ્રવાસના પાંચમા અને અંતિમ તબક્કામાં રોમ પહોંચ્યા છે. આ અગાઉ તેઓ જૂન 2024માં જી-7 સમિટમાં ભાગ લેવા ઇટાલી ગયા હતા. આ વખતના પ્રવાસમાં ઇટાલી પહોંચતા પહેલા વડાપ્રધાને નોર્વે, સ્વીડન, નેધરલેન્ડ અને યુએઈ (UAE) ની પણ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન ઇટાલીના પીએમ મેલોનીએ ભારતના વડાપ્રધાનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. અને હાથના ઈશારાથી રોમ શહેરના આ ઐતિહાસિક વારસા વિશે રસપ્રદ માહિતી પણ આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE