31 જુલાઈએ અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા; રેડ એલર્ટ જાહેર, દરિયાકાંઠે 15 ઓગસ્ટ સુધી માછીમારી પર પ્રતિબંધ
અમદાવાદ: બંગાળની ખાડીમાં સક્રિય થયેલી ડીપ ડિપ્રેશન સિસ્ટમના પ્રભાવથી ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય બનશે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ આવતીકાલથી રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડની આગાહી કરી છે. ખાસ કરીને 31 જુલાઈએ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં 50 કિમી પ્રતિ કલાક સુધીના તેજ પવન સાથે હળવાથી ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગે અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. ગીર સોમનાથ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે.
ભારે વરસાદ અને તેજ પવનની આગાહીને પગલે વહીવટી તંત્રને જોખમી હોર્ડિંગ્સ, નબળા વૃક્ષો, વીજ થાંભલા અને કામચલાઉ માળખાં સુરક્ષિત કરવા સૂચના આપવામાં આવી છે. નાગરિકોને નદી-નાળા અને જળાશયોથી દૂર રહેવા તેમજ હવામાન વિભાગની સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
દરિયો તોફાની બનવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને ભાવનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં 15 ઓગસ્ટ સુધી માછીમારી અને બોટની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. માછીમારોને સમુદ્રમાં ન જવા અને દરિયાકાંઠે વિશેષ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.
દરમિયાન જામનગરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે મહત્તમ તાપમાન 30.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ભેજનું પ્રમાણ 82 ટકા અને પવનની ગતિ 13.42 કિલોમીટર પ્રતિ કલાક નોંધાતા આગામી દિવસોમાં વરસાદી માહોલ વધુ મજબૂત બનવાના સંકેતો મળી રહ્યા છે.











