પેપર લીક માટે 10 વર્ષની જેલ અને ₹10 કરોડ સુધીના દંડની જોગવાઈ; ખડગેએ કહ્યું- યુવાનોના આંદોલન બાદ સરકારને નિર્ણય લેવો પડ્યો
નવી દિલ્હી: સંસદના ચોમાસુ સત્ર દરમિયાન રાજ્યસભામાં આજે ‘સાર્વજનિક પરીક્ષા સુધારા વિધેયક-2026’ એટલે કે એન્ટી પેપર લીક બિલ રજૂ કરવામાં આવ્યું. કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે ગૃહમાં વિધેયક રજૂ કરતાં જણાવ્યું કે જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા જાળવવા અને પેપર લીક જેવી ગંભીર ગેરરીતિઓ પર કડક અંકુશ લાવવા આ કાયદો લાવવામાં આવ્યો છે. વિધેયક પર ગૃહમાં લગભગ સાત કલાકની ચર્ચા નિર્ધારિત કરવામાં આવી છે.
વિધેયક મુજબ જાહેર પરીક્ષાના પ્રશ્નપત્ર લીક કરવા, ગેરરીતિ આચરવા અથવા સંગઠિત રીતે પરીક્ષા પ્રક્રિયામાં છેડછાડ કરનાર સામે 10 વર્ષ સુધીની જેલ અને ₹10 કરોડ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે.
ચર્ચા દરમિયાન રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે દેશભરના વિદ્યાર્થીઓ અને યુવાનોના સતત વિરોધ બાદ સરકારે આ બિલ લાવવું પડ્યું છે. તેમણે દાવો કર્યો કે સરકારે જનઆક્રોશ અને યુવાનોની માંગને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.
ખડગેએ બિલનું સ્વાગત કરતાં સાથે જ જણાવ્યું કે માત્ર કડક સજાની જોગવાઈ પૂરતી નથી. પરીક્ષા પહેલાં જ પ્રશ્નપત્ર લીક ન થાય તે માટે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની જરૂર છે.
જવાબમાં કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે સરકાર પારદર્શક અને વિશ્વસનીય પરીક્ષા વ્યવસ્થા માટે પ્રતિબદ્ધ છે. તેમણે વિપક્ષને સવાલ કર્યો કે અગાઉની સરકારોના કાર્યકાળ દરમિયાન પેપર લીકની સમસ્યા હોવા છતાં આ પ્રકારનો વ્યાપક કાયદો કેમ બનાવવામાં આવ્યો નહોતો.
ઉલ્લેખનીય છે કે વિધેયકને લઈને સંસદના બંને ગૃહોમાં ભારે હોબાળો અને સૂત્રોચ્ચાર થયા હતા. જેના કારણે કાર્યવાહી થોડા સમય માટે સ્થગિત કરવી પડી હતી. ત્યારબાદ રાજ્યસભામાં એન્ટી પેપર લીક બિલ પર વિસ્તૃત ચર્ચા શરૂ કરવામાં આવી.










