મધ્યપ્રદેશથી રાજકોટ સુધી ચાલતું દારૂનું નેટવર્ક ઝડપાયું; બસ સહિત રૂ.15.99 લાખનો મુદ્દામાલ જપ્ત
રાજકોટ: રાજકોટ પોલીસની એલસીબી ઝોન-1 ટીમે ટ્રાવેલ્સ બસ મારફતે ચાલી રહેલી દારૂની હેરાફેરીના આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ કર્યો છે. બામણબોર ચેકપોસ્ટ નજીકથી શ્રી બાલાજી ટ્રાવેલ્સની બસમાં દરોડો પાડી અંગ્રેજી દારૂની 444 બોટલ સાથે રિસીવર સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે બસ, દારૂ અને અન્ય સામાન મળી કુલ રૂ.15.99 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
દારૂ-જુગાર જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલી વિશેષ ઝુંબેશ દરમિયાન એલસીબીને મળેલી ચોક્કસ બાતમીના આધારે રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર બસને રોકી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન બસમાં સંતાડીને લાવવામાં આવેલો દારૂનો જથ્થો મળી આવતા ચાર આરોપીઓ તથા રાજકોટમાં દારૂનો જથ્થો સ્વીકારવા આવેલા એક શખ્સને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ મધ્યપ્રદેશથી મુસાફરોની આડમાં નિયમિત રીતે દારૂની ખેપ ગુજરાતમાં પહોંચાડતા હતા. અત્યાર સુધી તેઓ ઓછામાં ઓછા બે વખત સફળતાપૂર્વક આવી ખેપ પહોંચાડી ચૂક્યા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે.
ઝડપાયેલા તમામ આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. દારૂની સપ્લાય ચેઇન, આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય શખ્સો તેમજ અગાઉ થયેલી ખેપ અંગે પોલીસે તપાસનો વ્યાપ વધુ વિસ્તારી દીધો છે.










