સંસદીય વ્યૂહરચના, રાષ્ટ્રીય સુરક્ષા અને મધ્ય પૂર્વની પરિસ્થિતિ પર ઉચ્ચસ્તરીય ચર્ચાની અટકળો
નવી દિલ્હી: સંસદના ચોમાસુ સત્ર દરમિયાન વધતા રાજકીય ઘર્ષણ અને આંતરરાષ્ટ્રીય સ્તરે બદલાતી સુરક્ષા પરિસ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદ ભવન સ્થિત પોતાના કાર્યાલયમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. બેઠકમાં કેન્દ્ર સરકારના ટોચના મંત્રીઓ ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભલની હાજરીએ રાજકીય અને સુરક્ષા વર્તુળોમાં ચર્ચા જગાવી છે.
લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત થયા બાદ શરૂ થયેલી બેઠકમાં અમિત શાહ, રાજનાથ સિંહ, નિર્મલા સીતારામણ, ડૉ. એસ. જયશંકર, પીયૂષ ગોયલ, હરદીપ સિંહ પુરી અને જે.પી. નડ્ડા સહિતના વરિષ્ઠ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ બેઠકમાં સંસદના વર્તમાન સત્રને લઈને સરકારની વ્યૂહરચના, રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત મુદ્દાઓ તેમજ વર્તમાન આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હોવાની શક્યતા છે.
ખાસ કરીને મધ્ય પૂર્વમાં વધતા તણાવ, વૈશ્વિક વેપાર માર્ગો પર ઊભા થયેલા પડકારો, કાચા તેલના વધતા ભાવ અને ભારતની ઊર્જા સુરક્ષા જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હોવાના સંકેતો મળી રહ્યા છે. બદલાતી વૈશ્વિક સ્થિતિના ભારતના આર્થિક અને વ્યૂહાત્મક હિતો પર પડનારી અસરનું પણ મૂલ્યાંકન કરવામાં આવ્યું હોવાની ચર્ચા છે.
સરકારે બેઠકના એજન્ડા અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરી નથી. જોકે સંસદમાં ચાલી રહેલી રાજકીય ખેંચતાણ અને વૈશ્વિક સુરક્ષા પડકારોની વચ્ચે યોજાયેલી આ ઉચ્ચસ્તરીય બેઠકને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.










