35 કોથળામાં ભરેલી બ્લેકમનીનો ભંડાફોડ; પશુ તસ્કરી કેસના આરોપી મીનાર મંડલ અને પુત્ર કસ્ટડીમાં
કોલકાતા: પશ્ચિમ બંગાળના બિરભૂમ જિલ્લાના દેવચા ગામમાં તપાસ એજન્સીઓએ એક પૂર્વ સરકારી બસ ડ્રાઇવરના નિવાસસ્થાને દરોડો પાડી કરોડોની કાળી સંપત્તિનો પર્દાફાશ કર્યો છે. કાર્યવાહી દરમિયાન રૂ.28 કરોડથી વધુની રોકડ રકમ અને 15 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે, જેની કુલ કિંમત અંદાજે રૂ.50 કરોડથી વધુ હોવાનું અનુમાન છે.
દરોડા દરમિયાન ઘરમાંથી 35 કોથળામાં ભરેલી રોકડ, 14 એક કિલોની સોનાની બાર અને 100 ગ્રામના 10 સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા. રોકડની માત્રા એટલી વિશાળ હતી કે ગણતરી દરમિયાન નોટ ગણવાના પાંચ મશીનો પણ બંધ પડી ગયા, જ્યારે સમગ્ર મુદ્દામાલ જપ્ત કરવા માટે પોલીસે લોખંડના પાંચ મોટા ટ્રંક મંગાવવાની ફરજ પડી હતી.
આ કેસમાં પોલીસે મીનાર મંડલ ઉર્ફે ટુલ્લુ મંડલ અને તેના પુત્રને કસ્ટડીમાં લીધા છે. મીનાર અગાઉ નોર્થ બંગાળ સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં બસ ડ્રાઇવર તરીકે ફરજ બજાવતો હતો. બાદમાં તેણે પથ્થર અને રેતીના વેપારમાં પ્રવેશ કરીને ગેરકાયદેસર રીતે મોટું આર્થિક સામ્રાજ્ય ઉભું કર્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ મીનાર મંડલનું નામ અગાઉ પશુ તસ્કરી કેસ સહિતના ગંભીર ગુનાઓમાં પણ સામે આવી ચૂક્યું છે. હાલ જપ્ત કરાયેલી કાળી સંપત્તિનો સ્ત્રોત, અન્ય છુપાવેલી મિલકતો અને સમગ્ર નાણાકીય નેટવર્ક અંગે સઘન તપાસ ચાલી રહી છે.










