નવી દિલ્હી: નીટ પેપર લીક વિવાદ હવે દેશવ્યાપી આંદોલનમાં ફેરવાઈ ગયો છે. દિલ્હીના જંતર-મંતરથી શરૂ થયેલો વિરોધ હવે મહારાષ્ટ્ર, બિહાર, રાજસ્થાન, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ફેલાયો છે. વિદ્યાર્થીઓની સાથે વિપક્ષી પક્ષો પણ ખુલ્લેઆમ સમર્થનમાં ઉતરતા રાજકીય માહોલ ગરમાયો છે.
મહારાષ્ટ્રમાં વંચિત બહુજન અઘાડીના નેતા પ્રકાશ આંબેડકરે રાજ્યવ્યાપી બંધનું એલાન આપ્યું છે, જ્યારે ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે પણ આંદોલનમાં સક્રિય બન્યા છે. બીજી તરફ, અન્ના હજારે પણ વિદ્યાર્થીઓના સમર્થનમાં જોડાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
દિલ્હીમાં જંતર-મંતર વિસ્તારમાં સુરક્ષા વધુ કડક બનાવવામાં આવી છે. 16 મેટ્રો સ્ટેશનો બંધ રાખવામાં આવ્યા છે અને ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરાઈ છે. બિહારમાં વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે ટિયર ગેસ અને વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો, જ્યારે 500 અજાણ્યા લોકો સામે ગુનો નોંધી 40થી વધુ દેખાવકારોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
વિદ્યાર્થીઓ કેન્દ્રીય શિક્ષણમંત્રીના રાજીનામા, પેપર લીકના દોષિતોને કડક સજા અને પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા લાવવાની માંગ સાથે આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચેતવણી આપી રહ્યા છે.










