પ્લાસ્ટિકના સામાનની આડમાં દમણથી લવાતો રૂ.18.17 લાખનો વિદેશી દારૂ જપ્ત; કુલ રૂ.28.53 લાખનો મુદ્દામાલ કબજે
કરજણ: વડોદરા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી)એ દારૂની હેરાફેરી સામે મોટી સફળતા મેળવી છે. કરજણ નજીક ચોક્કસ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં પ્લાસ્ટિકના સામાનની આડમાં છુપાવીને દમણથી લવાતો 316 પેટી વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે ટેમ્પાના ચાલક અર્જુન બિંદની ધરપકડ કરી સમગ્ર રેકેટની તપાસ શરૂ કરી છે.
તપાસ દરમિયાન ટેમ્પોમાં ભરેલા પ્લાસ્ટિકના સામાન નીચે કુશળતાપૂર્વક છુપાવેલો રૂ.18.17 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી દારૂનો જથ્થો, ટેમ્પો અને અન્ય સામગ્રી મળી કુલ રૂ.28.53 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો દમણથી ગુજરાતમાં ગેરકાયદેસર રીતે સપ્લાય કરવા લાવવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે અને દારૂના સપ્લાયર, રિસીવરો તેમજ સમગ્ર હેરાફેરીના નેટવર્ક સુધી પહોંચવાના પ્રયાસો તેજ કર્યા છે.
આ સમગ્ર મામલે કરજણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. દારૂની હેરાફેરી સાથે સંકળાયેલા અન્ય શખ્સોની સંડોવણી બહાર આવે તેવી શક્યતા વચ્ચે પોલીસે તપાસનો વ્યાપ વિસ્તરાવ્યો છે.











