ખુલ્લા રેલવે ફાટકને લઈને ઉઠ્યા ગંભીર સવાલો; અનેક બાળકો ઘાયલ, ઉચ્ચસ્તરીય તપાસ શરૂ
મુર્શિદાબાદ: પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના બરહમપુર વિસ્તારમાં શુક્રવારે સવારે એક કરુણ અકસ્માત સર્જાયો હતો. વિદ્યાર્થીઓને લઈને શાળા જઈ રહેલી સ્કૂલ વેન ખુલ્લા રેલવે ફાટક પરથી પસાર થઈ રહી હતી ત્યારે ઝડપભેર આવી રહેલી ટ્રેને જોરદાર ટક્કર મારતા બે વિદ્યાર્થીઓ સહિત પાંચ લોકોના મોત થયા હતા. અકસ્માતમાં અનેક બાળકો ઘાયલ થતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
પ્રાથમિક માહિતી મુજબ, સવારે લગભગ 7 વાગ્યે સ્કૂલ વેન બાળકોને લઈને શાળા તરફ જઈ રહી હતી. તે દરમિયાન રેલવે ક્રોસિંગ ખુલ્લું હોવાથી વેન ટ્રેક પાર કરી રહી હતી, ત્યારે અચાનક ટ્રેન આવી પહોંચી અને વેનને જોરદાર અડફેટે લીધી. ટક્કર એટલી પ્રચંડ હતી કે વેનના ફુરચા ઉડી ગયા હતા.
અધિકારીઓના જણાવ્યા મુજબ, ઘટનાસ્થળે જ બે વિદ્યાર્થીઓ સહિત પાંચ લોકોના મોત થયા હતા, જ્યારે ઘાયલ થયેલા બાળકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. કેટલાક બાળકોની હાલત ગંભીર હોવાનું પણ જાણવા મળ્યું છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, એક ટ્રેન પસાર થયા બાદ રેલવે ફાટક ખોલી દેવામાં આવ્યો હતો, પરંતુ બીજા ટ્રેક પર આવતી ટ્રેન પહેલાં ફાટક ફરીથી બંધ કરવામાં આવ્યો નહોતો. આ ઘટનાને લઈને રેલવે તંત્રની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
અકસ્માતની જાણ થતાં જ પોલીસ, રેલવે સુરક્ષા દળ અને વહીવટી તંત્રની ટીમો તાત્કાલિક સ્થળે પહોંચી હતી. બચાવ કામગીરી પૂર્ણ કર્યા બાદ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા અને સમગ્ર ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
આ દુર્ઘટના બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે, જ્યારે મૃતકોના પરિવારોમાં શોકનો માહોલ છવાયો છે.











