સોના-ચાંદીના દાગીના, રોકડ અને મોબાઇલ સાથે આરોપીઓ ઝડપાયા; અનેક ચોરીના ગુનાઓ ઉકેલાય તેવી શક્યતા
ભાવનગર: ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા પાંચ કુખ્યાત તસ્કરોને ઝડપી મોટી સફળતા મેળવી છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂ.1,50,711 કિંમતના સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ અને મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ ઇન્સ્પેક્ટર મયુરધ્વજસિંહ એમ. સરવૈયાના માર્ગદર્શન હેઠળ તથા પી.એસ.આઈ. આર.એ. વાઢેરની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે અગાઉ ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા પાંચ શખ્સો ચોરીના મુદ્દામાલ સાથે રસાલા કેમ્પ વિસ્તારમાં ગુરુદ્વારા સામે આવેલા ગધેડિયા ફિલ્ડ પાસે હાજર છે.
બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી અજય ઉર્ફે તકિયો રાજુભાઈ વાઘેલા (20), નાસીરહુસૈન ઉર્ફે નાગ લીયાકતહુસૈન રફાઈ (21), લક્કી ઉર્ફે બાદશાહ હુસૈનભાઈ ચૌહાણ (19), શાહરૂખ ઉર્ફે બાઠીયો ઉર્ફે ભુરીયો સલીમભાઈ પઠાણ (28) અને **ફારૂક કાળુભાઈ શેખ (31)**ને ઝડપી લીધા હતા.
તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી મળેલા સોના-ચાંદીના દાગીના, રોકડ અને મોબાઇલ અંગે માલિકીનો કોઈ પુરાવો કે ખરીદીના બિલ રજૂ કરવામાં તેઓ નિષ્ફળ રહ્યા હતા. સંતોષકારક ખુલાસો ન મળતા પોલીસે સમગ્ર મુદ્દામાલ કબજે કરીને તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં આરોપીઓ અગાઉ પણ ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. પોલીસ હવે કબ્જે કરાયેલા મુદ્દામાલનો સંબંધ અન્ય નોંધાયેલા ગુનાઓ સાથે છે કે નહીં તેમજ આરોપીઓએ અન્ય ક્યાં-ક્યાં ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો છે તે દિશામાં સઘન તપાસ કરી રહી છે.










