રાજકોટમાં સૌથી મોટા ‘વેપન કાર્ટેલ’નો પર્દાફાશ: 13 આરોપીઓ ઝડપાયા, 28 પિસ્તોલ અને કારતૂસ જપ્ત

રાજુલાના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખના પુત્ર સહિત અનેક શખ્સોની ધરપકડ; મધ્યપ્રદેશથી સૌરાષ્ટ્ર સુધી ગેરકાયદેસર હથિયાર સપ્લાય નેટવર્કનો ભાંડો ફૂટ્યો

રાજકોટ: રાજકોટ શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચ (PCB)એ રાજ્યના સૌથી મોટા ગેરકાયદેસર હથિયાર સપ્લાય રેકેટનો પર્દાફાશ કરીને 13 આરોપીઓને ઝડપી લીધા છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ 28 દેશી બનાવટની પિસ્તોલ, 30થી વધુ જીવતા કારતૂસ અને અન્ય મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસમાં મધ્યપ્રદેશના મીરજાપુરથી સૌરાષ્ટ્ર સુધી ફેલાયેલા હથિયાર સપ્લાય નેટવર્કનો ખુલાસો થયો છે.

ચોક્કસ બાતમીના આધારે પોલીસે કુવાડવા નજીકથી મધ્યપ્રદેશના સકીલ સાદીક મન્સુરીને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી પાંચ દેશી પિસ્તોલ અને 20 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. પૂછપરછમાં તેણે ચોટીલાના અનિલ અને દર્શન ઉર્ફે ગાવસ્કર સહિતના શખ્સોને અગાઉ પણ હથિયારો સપ્લાય કર્યાની કબૂલાત આપી હતી.

આ માહિતીના આધારે પોલીસે ચોટીલા સહિત વિવિધ વિસ્તારોમાં દરોડા પાડી હથિયાર સપ્લાય ચેઇન સાથે જોડાયેલા અનેક આરોપીઓને ઝડપી લીધા હતા. રિમાન્ડ દરમિયાન થયેલી પૂછપરછમાં સતત નવા નામો સામે આવતા તપાસનો વ્યાપ વિસ્તરતો ગયો હતો.

તપાસ દરમિયાન રાજુલા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખના પુત્ર જીલુ ભુપત બારૈયાનું નામ પણ સામે આવ્યું હતું. પોલીસે તેની ધરપકડ કરીને તેની પાસેથી ત્રણ દેશી પિસ્તોલ કબજે કર્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં તેણે જૂની અંગત અદાવતને કારણે આ હથિયારો ખરીદ્યાની કબૂલાત આપી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

આ ઉપરાંત આરોપી પ્રદીપ કરપડાની પૂછપરછમાં મિત્રને એક હથિયાર આપ્યાનો ખુલાસો થતાં ચોટીલાના ઋતુરાજ ખાચરને પણ ઝડપી લેવામાં આવ્યો હતો. સંદીપસિંહ પરમાર, જયપાલ ડેડાણીયા, આરીફ પઠાણ, ધૃવ ઉર્ફે કનૈયો ગૌસ્વામી, જયરાજ ઉર્ફે લાલો ખાચર અને શ્યામ પરમાર સહિતના અન્ય આરોપીઓ પાસેથી પણ ગેરકાયદેસર હથિયારો મળી આવ્યા હતા.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સમગ્ર ગેંગ મધ્યપ્રદેશમાંથી દેશી બનાવટના હથિયારો મંગાવી રાજકોટ, ચોટીલા, રાજુલા અને સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં સપ્લાય કરતી હતી. હથિયારોના સપ્લાયર, સ્થાનિક એજન્ટો અને ખરીદદારો વચ્ચેનું સંપૂર્ણ નેટવર્ક પોલીસે ખુલ્લું પાડ્યું છે.

રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના માર્ગદર્શન હેઠળ અને PCBના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. ગોંડલિયાના નેતૃત્વમાં હાથ ધરાયેલી આ કાર્યવાહીને હથિયાર વિરોધી અભિયાનની સૌથી મોટી સફળતાઓમાંની એક માનવામાં આવી રહી છે. પોલીસે હવે આ ગેંગના અન્ય સાગરીતો, નાણાકીય વ્યવહારો અને હથિયારોના મૂળ સ્ત્રોત અંગે વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE