રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગે શહેરમાં ભેળસેળયુક્ત અને બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થો સામે વિશેષ સર્વેલન્સ ડ્રાઈવ હાથ ધરી હતી. આ અભિયાન દરમિયાન શહેરની 66 પેઢી અને રેસ્ટોરન્ટમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન 218 કિલો અખાદ્ય, વાસી અને બિનઆરોગ્યપ્રદ ખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો, જ્યારે અનેક વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન સ્ટોરેજ, લાઇસન્સ, સ્વચ્છતા (હાઇજિન) અને પ્રિન્ટેડ પસ્તીના નિયમોના ભંગ બદલ 26 વેપારીઓને નોટિસો ફટકારવામાં આવી હતી. ઉપરાંત વિવિધ વેપારીઓ પાસેથી કુલ રૂ.42,000નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ (FSSAI) હેઠળ 17 ખાદ્ય નમૂનાઓ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.
સૌથી મોટી કાર્યવાહી એસ્ટ્રોન ચોક પાસે આવેલી વિરમણી સ્વીટ્સ એન્ડ નમકીન સામે કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ફૂગ લાગેલો માવો, એક્સપાયરી થયેલું મિલ્ક પાવડર, સડેલા બટેટા અને શાકભાજી, જૂના મસાલા, પ્રતિબંધિત રંગવાળી ચારોળી તેમજ વાસી તૈયાર ખોરાક સહિત અંદાજે 91 કિલો અખાદ્ય જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. દુકાનને સીલ કરી રૂ.10,000નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો અને લાઇસન્સ તથા સ્વચ્છતા સંબંધિત નોટિસ પણ આપવામાં આવી હતી.
અજંતા પાર્ક વિસ્તારમાં આવેલી બેસ્ટ મયુર ભજીયા દુકાનમાં તપાસ દરમિયાન એક્સપાયરી થયેલી 350 પાણીની બોટલો, બ્રેડ અને સડેલા શાકભાજીનો નાશ કરવામાં આવ્યો હતો. દુકાન પાસેથી રૂ.500નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો, જ્યારે મીઠી ચટણીનો નમૂનો લેબોરેટરી પરીક્ષણ માટે લેવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ભગવતી ફરસાણ, વિશાલ સેલ્સ એજન્સી, જય બાલાજી ફરસાણ માર્ટ, શ્રી દ્વારિકાધીશ ખમણ હાઉસ, આશા ફરસાણ, કૃષ્ણા સેલ્સ એજન્સી, શ્રી લક્ષ્મી લાઈવ પટ્ટી સમોસા, જલિયાણ ફરસાણ અને રાજશક્તિ ગાંઠિયા સહિત અનેક વેપારીઓને સ્વચ્છતા, લાઇસન્સ, ખુલ્લી ખાદ્ય વસ્તુઓ, પ્રિન્ટેડ પસ્તી અને ખાદ્યતેલના ડિસ્પ્લે સહિતની ખામીઓ બદલ નોટિસો આપવામાં આવી હતી અને વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.
મહાનગરપાલિકાએ શહેરમાં અલગથી મિલ્ક ચેકિંગ ડ્રાઈવ પણ હાથ ધરી હતી. વિવિધ ડેરીઓમાંથી ગાયના દૂધ, ભેંસના દૂધ અને મિક્સ દૂધના નમૂનાઓ લઈ ગુણવત્તા ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
રાજકોટ મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે શહેરમાં ભેળસેળયુક્ત અને બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થો સામે આવી સઘન તપાસ અને કડક કાર્યવાહી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે.











