રાજકોટ રેલવે સ્ટેશન પરથી 2 કિલો ગાંજા સાથે બિહારનો યુવક ઝડપાયો: રેલવે રૂટ મારફતે ડ્રગ્સ સપ્લાયનો પર્દાફાશ

રાજકોટ: માદક પદાર્થોની હેરાફેરી અટકાવવા સક્રિય બનેલી રેલવે પોલીસે મહત્વની સફળતા મેળવી છે. રાજકોટ રેલવે સ્ટેશન પરથી બિહારના એક યુવકને અંદાજે 2 કિલો ગાંજા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. જામનગર પહોંચે તે પહેલાં જ આરોપીને દબોચી પોલીસે રૂ.1.14 લાખનો મુદ્દામાલ કબજે કરીને એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

રેલવે પોલીસના પીઆઈ એચ. એમ. રાણાના માર્ગદર્શન હેઠળ એલસીબી અને એસઓજીની ટીમ આંતરરાજ્ય ટ્રેનોમાં માદક પદાર્થોની હેરાફેરી પર નજર રાખી રહી હતી. તે દરમિયાન ચોક્કસ બાતમીના આધારે રાજકોટ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 પર ભારે બેગ સાથે શંકાસ્પદ હાલતમાં ફરી રહેલા યુવકને અટકાવી તપાસ કરવામાં આવી હતી.

બેગની તપાસ દરમિયાન અંદરથી અંદાજે 2 કિલો ગાંજો, જેની કિંમત રૂ.99 હજાર હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ગાંજાનો જથ્થો, મોબાઇલ ફોન સહિત કુલ રૂ.1.14 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આરોપી રાહુલકુમાર અર્જુન મંડલ (ઉં.વ. 25), રહે. સુપૌલ, બિહારની ધરપકડ કરી છે.

પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ જામનગરમાં મજૂરી કામ માટે જતો હોવાનું જણાવ્યું હતું, પરંતુ જરૂર પડે તો ગાંજો વેચવાની યોજના હોવાનો પણ સ્વીકાર કર્યો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. જોકે પોલીસને આ દલીલ પર શંકા હોવાથી હવે ડ્રગ્સ સપ્લાય ચેન, સંભવિત ખરીદદારો અને આરોપીના અન્ય સંપર્કો અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે આ મામલે આંતરરાજ્ય નેટવર્કની સંડોવણીની શક્યતાને પણ નકારી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE