રાજકોટમાં દિવસદહાડે રૂ.1.35 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: કુખ્યાત હિસ્ટ્રીશીટરના સગીર પુત્રની ધરપકડ

રાજકોટ: શહેરના જંગલેશ્વર મેઇન રોડ પર આવેલા રાધાકૃષ્ણનગર વિસ્તારમાં દિવસદહાડે થયેલી રૂ.1.35 લાખની ઘરફોડ ચોરીનો ભક્તિનગર પોલીસે સફળતાપૂર્વક ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસે આ કેસમાં કુખ્યાત હિસ્ટ્રીશીટરના સગીર પુત્રને ઝડપી પાડીને ચોરાયેલા દાગીના કબજે કર્યા છે. આરોપી દાગીના વેચવા જતો હતો ત્યારે જ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.

ફરિયાદ મુજબ, રાધાકૃષ્ણનગરમાં રહેતા હંસાબેન કમલેશભાઈ કુંવરિયા કામ પર ગયા બાદ સાંજે ઘરે પરત ફર્યા ત્યારે મકાનનું કબાટ તોડીને રૂ.50 હજાર રોકડા, સોનાનો ચેઇન, બુટી, વીંટી, ઓમકાર પેન્ડન્ટ અને ચાંદીના દાગીના સહિત કુલ રૂ.1.35 લાખનો મુદ્દામાલ ચોરી ગયો હોવાનું સામે આવ્યું હતું.

ભક્તિનગર પોલીસના પીઆઈ જે.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ તપાસ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે કોઠારિયા મેઇન રોડ વિસ્તારમાં સોનાના દાગીના વેચવાની ફિરાકમાં ફરતા સગીરને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની પાસેથી ચોરાયેલા તમામ દાગીના કબજે કરવામાં આવ્યા હતા.

પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું હતું કે તે પોતાના સંબંધીના ઘરે રોકાવા આવ્યો હતો અને ફરિયાદીની દિનચર્યા પર નજર રાખી હતી. ઘર દિવસ દરમિયાન ખાલી રહેતું હોવાની ખાતરી થતાં તેણે બાજુની દીવાલ કૂદી મકાનમાં પ્રવેશ કરીને અંદર પડેલી ચાવી વડે કબાટ ખોલી ચોરીને અંજામ આપ્યો હતો.

આરોપીએ ચોરી કરેલા રૂ.50 હજાર રોકડા મોજશોખમાં ખર્ચી નાખ્યાનો દાવો કર્યો છે. જોકે પોલીસ તેની આ વાતની ખરાઈ કરી રહી છે. સાથે જ આરોપી અગાઉ અન્ય ગુનાઓમાં સંડોવાયેલો છે કે નહીં અને તેની પાછળ કોઈ મોટું ચોરીનું નેટવર્ક કાર્યરત છે કે કેમ તે મુદ્દે પણ તપાસ તેજ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE