સુરત: પૂરની તબાહી બાદ જ્યાં અનેક લોકો પોતાનું નુકસાન ભોગવી રહ્યા છે, ત્યાં સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં એક શ્રમિકે પોતાની ઈમાનદારી અને માનવતાથી સૌનું દિલ જીતી લીધું છે. ભંગાર વીણી જીવન ગુજારતા ગૌતમભાઈએ પૂરના પાણીમાં તણાઈ ગયેલી 50થી વધુ વાહનોની નંબર પ્લેટો એકત્ર કરીને સુરક્ષિત રાખી હતી અને હવે તે સાચા માલિકોને કોઈપણ પ્રકારના વળતર વિના પરત આપી રહ્યા છે.
ગૌતમભાઈ વાહનની અસલી RC બુકની ચકાસણી કર્યા બાદ જ નંબર પ્લેટ માલિકને સોંપી રહ્યા છે. તેમની આ પહેલને કારણે અનેક વાહનચાલકોને નવી નંબર પ્લેટ બનાવવાનો ખર્ચ, RTOની કાર્યવાહી અને દંડમાંથી રાહત મળી છે.
ગૌતમભાઈની આ નિઃસ્વાર્થ કામગીરીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં મોટી સંખ્યામાં લોકો પોતાની નંબર પ્લેટ લેવા પહોંચી રહ્યા છે. તેમની ઈમાનદારી અને સેવાભાવની ચારે તરફ પ્રશંસા થઈ રહી છે.
પૂરની આપત્તિ વચ્ચે ગૌતમભાઈએ સાબિત કર્યું છે કે સાચી માનવતા કોઈ સંપત્તિથી નહીં, પરંતુ નિઃસ્વાર્થ સેવા અને સારા સંસ્કારોથી ઓળખાય છે. તેમની આ કામગીરી આજે સુરત જ નહીં, સમગ્ર રાજ્ય માટે પ્રેરણાનું ઉદાહરણ બની છે.










