ભાવનગર: ભાવનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયેલી ગંભીર તબીબી બેદરકારીનો મામલો સામે આવ્યો છે. પ્રસૂતિ માટે દાખલ કરાયેલી મહિલાને ખોટા બ્લડ ગ્રુપનું લોહી ચડાવવામાં આવતાં તેમનું મોત નીપજ્યું હોવાનું બહાર આવતાં સમગ્ર જિલ્લામાં ભારે ચકચાર મચી છે. મામલો અદાલતમાં પહોંચતા કોર્ટે પોલીસનો સમરી રિપોર્ટ ફગાવી જવાબદારો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.
માહિતી મુજબ ગારિયાધાર તાલુકાના નાની વાવડી ગામની ગીતાબહેન સોલંકીને પ્રસૂતિ માટે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સરકારી મમતા કાર્ડમાં તેમનું બ્લડ ગ્રુપ ‘A નેગેટિવ’ નોંધાયેલું હોવા છતાં પ્રસૂતિ બાદ હોસ્પિટલ સ્ટાફે કેસ પેપરમાં થયેલી ભૂલના કારણે ‘B નેગેટિવ’ બ્લડની માંગણી કરી હતી.
આરોપ છે કે બ્લડ બેંકે પણ જરૂરી ચકાસણી કર્યા વિના ખોટા બ્લડ ગ્રુપનું લોહી ઇશ્યૂ કર્યું હતું. પરિણામે ગીતાબહેનને ખોટું લોહી ચડાવવામાં આવતા તેમના શરીરમાં ગંભીર રિએક્શન થયું હતું. એક અઠવાડિયા સુધી સારવાર હેઠળ રહ્યા બાદ આખરે તેમનું મોત થયું હતું.
આ સમગ્ર ઘટનામાં હોસ્પિટલના તબીબી સ્ટાફ અને બ્લડ બેંકની બેદરકારી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. શરૂઆતમાં નીલમબાગ પોલીસે તપાસ બાદ ‘ગુનો બનતો નથી’ એવો સમરી રિપોર્ટ અદાલતમાં રજૂ કર્યો હતો.
મૃતકના ભાઈ મુકેશભાઈ મિયાત્રાએ એડવોકેટ જિજ્ઞેશ કે. મહેતા અને શિશિર એમ. ત્રિવેદી મારફતે અદાલતમાં અરજી કરતાં કેસની ફરી સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
સ્પેશિયલ (એટ્રોસિટી) કોર્ટના જજ જે. જી. દામોદરાએ ઉપલબ્ધ મેડિકલ પુરાવા અને કેસની ગંભીરતા ધ્યાને લઈ પોલીસનો સમરી રિપોર્ટ ફગાવી દીધો હતો. અદાલતે પ્રાથમિક દ્રષ્ટિએ તબીબી બેદરકારી સ્પષ્ટ જણાતી હોવાનું નોંધતાં એસસી/એસટી સેલને જવાબદારો સામે ગુનો નોંધી ચાર્જશીટ દાખલ કરવા તથા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાનો આદેશ આપ્યો છે.










