સાબરકાંઠા: રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો ખતરો સતત વધી રહ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસ જેવા લક્ષણો ધરાવતા વધુ એક બાળકનું સારવાર દરમિયાન મોત થતાં આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવી ગયો છે.
મળતી માહિતી મુજબ, રાજસ્થાનની સરહદને અડીને આવેલા પોશીના તાલુકા વિસ્તારની એક બાળકીની તબિયત લથડતા તેને સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં બે દિવસ સુધી સારવાર ચાલી હોવા છતાં બાળકીનું મોત નિપજ્યું હતું.
પ્રાથમિક તપાસમાં બાળકીમાં ચાંદીપુરા વાયરસ જેવા લક્ષણો જોવા મળતાં તેના સેમ્પલ લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગે કેસની ગંભીરતા ધ્યાનમાં રાખી આસપાસના વિસ્તારોમાં સર્વેલન્સ અને આરોગ્ય ચકાસણીની કામગીરી તેજ કરી છે.
આ તરફ મહેસાણા જિલ્લામાં પણ ચાંદીપુરા વાયરસનો વધુ એક શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. દર્દીની સારવાર સાથે સંક્રમણ ફેલાતું અટકાવવા જરૂરી તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.
આરોગ્ય વિભાગે વાલીઓને અપીલ કરી છે કે બાળકોમાં તાવ, ઉલ્ટી, બેભાન થવું અથવા અન્ય ગંભીર લક્ષણો જણાય તો વિલંબ કર્યા વગર નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે પહોંચવું જોઈએ. સાથે જ મચ્છર અને અન્ય જીવાતોથી બચવા સ્વચ્છતા જાળવવા તથા સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.











