મોરબીમાં બે દુષ્કર્મ કેસનો મુખ્ય આરોપી ઝડપાયો, એક જ રાતમાં બે ગામમાં મચાવ્યો હતો આતંક

મોરબી: મોરબી તાલુકાના જેતપર અને ચકમપર ગામની સીમમાં એક જ રાત્રે બનેલી ચોરી, લૂંટ અને દુષ્કર્મની બે ગંભીર ઘટનાઓના મુખ્ય સૂત્રધારને જિલ્લા એલસીબીની ટીમે ઝડપી પાડ્યો છે. આરોપી દિનેશભાઈ મધુભાઈ જખાનીયા લાંબા સમયથી ફરાર હતો અને તેની ધરપકડ બાદ સમગ્ર કેસમાં મહત્વપૂર્ણ કડી હાથ લાગી છે.

પોલીસ તપાસ અનુસાર, ગત 4 જૂનની રાત્રે પાંચ શખ્સોની ગેંગ ચોરી અને લૂંટના ઇરાદે બંને ગામોની વાડી વિસ્તારોમાં ઘૂસી હતી. આરોપીઓએ હથિયારોના જોરે દંપતીઓને બંધક બનાવી રોકડ અને દાગીનાની માંગ કરી હતી. લૂંટફાટમાં સફળતા ન મળતાં મહિલાઓના પતિઓને જાનથી મારી નાખવાની ધમકી આપી તેમની સામે જ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

જેતપર ગામે એક મહિલાની સાથે એક આરોપીએ દુષ્કર્મ કર્યું હતું, જ્યારે ત્યારબાદ ચકમપર ગામે પહોંચી એ જ ગેંગના ત્રણ સભ્યોએ બીજી મહિલાની સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાનું ફરિયાદમાં નોંધાયું છે. બંને બનાવોએ સમગ્ર જિલ્લામાં ભારે ચકચાર મચાવી હતી.

આ કેસમાં અગાઉ પોલીસે નવઘણ કાળુભાઈ વાધેલા, દિલીપ કેશાભાઈ વાજેલીયા અને મુન્ના ગંગારામભાઈ વાજેલીયાની ધરપકડ કરી હતી. ઉપરાંત કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોર સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે સમગ્ર કાવતરાનો મુખ્ય સૂત્રધાર દિનેશ જખાનીયા ફરાર હોવાથી તેની શોધખોળ ચાલુ રાખવામાં આવી હતી.

દરમિયાન જિલ્લા એલસીબીને બાતમી મળી હતી કે દિનેશ જખાનીયા ધ્રોલ તરફથી ભાદરા પાટિયા મારફતે આમરણ જવાનો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી તેને બાઇક સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી બાઇક અને મોબાઇલ ફોન સહિત અંદાજે રૂ.20 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસના જણાવ્યા મુજબ, આરોપી સામે અગાઉ વાંકાનેર, ધ્રાંગધ્રા અને મોરબી તાલુકા પોલીસ મથકોમાં ચોરી અને અન્ય ગંભીર ગુનાઓ સહિત કુલ ચાર કેસ નોંધાયેલા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પોતાની ગેંગ સાથે રાત્રિના સમયે વાડી વિસ્તારોને નિશાન બનાવી ચોરી અને લૂંટ કરતો હતો તેમજ તક મળતાં મહિલાઓ પર અત્યાચાર પણ ગુજારતો હતો.

હાલ આરોપીને મોરબી તાલુકા પોલીસને સોંપવામાં આવ્યો છે. તેના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે અને સમગ્ર ગેંગના અન્ય ગુનાઓ તેમજ સંભવિત સંડોવણી અંગે વધુ તપાસ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE