રાજકોટ: ગેરકાયદે હથિયારો સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત શાપર-વેરાવળ પોલીસે મોટી કાર્યવાહી કરતાં વેરાવળ ગામ નજીક રેલવે ફાટક પાસેથી એક શખ્સને દેશી બનાવટની પિસ્ટલ સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી હથિયાર કબ્જે કરીને તે હથિયાર ક્યાંથી મેળવવામાં આવ્યું અને તેનો ઉપયોગ કયા હેતુથી થવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે.
રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ ગેરકાયદે હથિયારો રાખતા અને તેનું વેચાણ કરતા શખ્સો સામે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત શાપર પોલીસ મથકના પીઆઈ આર.બી. રાણાની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે વેરાવળ ગામથી પડવલા તરફ જવાના માર્ગ પર આવેલા રેલવે ફાટક નજીક એક વ્યક્તિ ગેરકાયદે હથિયાર સાથે ફરી રહ્યો છે.
બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચીને વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ વ્યક્તિને રોકીને તેની તલાશી લેવામાં આવતા તેની પાસેથી દેશી બનાવટની પિસ્ટલ મળી આવી હતી. પોલીસે આરોપી પ્રકાશ ઉર્ફે પક્કો રણછોડ પરમાર (ઉં.વ. 31), રહે. શીતળા મંદિર પાસે, પારડી, તાલુકો લોધીકા (મૂળ વતન શેખપર ગામ, તાલુકો મુળી, જિલ્લો સુરેન્દ્રનગર)ની ધરપકડ કરી હતી.
પોલીસે આરોપી પાસેથી અંદાજે રૂ.10 હજારની કિંમતનું હથિયાર કબ્જે કરીને તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
પ્રાથમિક તપાસમાં હવે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપીએ આ ગેરકાયદે પિસ્ટલ કોની પાસેથી મેળવી હતી, તે અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે કે નહીં તેમજ હથિયારનો ઉપયોગ કયા હેતુથી કરવાનો હતો. સમગ્ર મામલે શાપર પોલીસ દ્વારા વધુ પૂછપરછ અને તપાસ ચાલુ છે.











