નવી દિલ્હી: પાકિસ્તાન વિરુદ્ધ હાથ ધરાયેલા ઓપરેશન સિંદુરમાં દેશની રક્ષા કરતાં શહીદ થયેલા છ બહાદુર જવાનોના નામ કેન્દ્ર સરકારે પ્રથમ વખત સત્તાવાર રીતે જાહેર કર્યા છે. આ શહીદોમાં ભારતીય સેનાના પાંચ અને ભારતીય વાયુસેનાના એક જવાનનો સમાવેશ થાય છે.
જાહેર કરાયેલા નામોમાં સુબેદાર મેજર પવનકુમાર, રાઈફલમેન સુનિલકુમાર, લાન્સ નાયક દિનેશકુમાર, અગ્નિવીર મુદ મુરલી, હવાલદાર સુનીલકુમાર તેમજ ભારતીય વાયુસેનાના સાર્જન્ટ સુરેન્દ્રકુમારનો સમાવેશ થાય છે. તમામ શહીદોના નામ હવે આર્મી વોર મેમોરિયલની સત્તાવાર યાદીમાં અંકિત કરવામાં આવશે.
શૌર્યપૂર્ણ સેવાને માન આપતાં રાઈફલમેન સુનિલકુમારને મરણોત્તર વિર ચક્ર અને સાર્જન્ટ સુરેન્દ્રકુમારને મરણોત્તર વાયુ મેડલ એનાયત કરવામાં આવ્યા છે.
ઓપરેશન દરમિયાન ભારતીય દળોએ પાકિસ્તાનના લશ્કરી ઠેકાણાઓ પર ચોક્કસ નિશાન સાધીને આશરે 22 મિનિટ સુધી એરસ્ટ્રાઈક કરી હતી. આ કાર્યવાહી દરમિયાન પાકિસ્તાનના અનેક હવાઈ મથકોને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.
શહીદ જવાનોના નામ જાહેર થતાં દેશભરમાં તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. તેમના શૌર્ય અને બલિદાનને દેશ હંમેશા યાદ રાખશે.











