રાજકોટ: કિંમતી ધાતુઓના બજારમાં આજે ફરી તેજીનો માહોલ જોવા મળ્યો છે. સતત ચાલી રહેલી મંદી બાદ સોનાના ભાવમાં રૂ.1,000 અને ચાંદીમાં રૂ.3,000નો વધારો નોંધાતા વેપારીઓ અને રોકાણકારોમાં નવી આશા જાગી છે.
રાજકોટ બજારમાં આજે 10 ગ્રામ સોનાનો ભાવ વધીને રૂ.1,46,500 થયો છે, જ્યારે ચાંદીનો ભાવ રૂ.2.29 લાખ પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચ્યો છે. વૈશ્વિક બજારમાં પણ સોનાનો ભાવ ફરી 4,037 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી 57.85 ડોલર પ્રતિ ઔંસની સપાટીએ પહોંચતા સ્થાનિક બજારમાં તેની સીધી અસર જોવા મળી છે.
વેપારીઓના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારમાં આવેલી રિકવરી અને ઘટેલા ભાવ વચ્ચે વધેલી ખરીદીને કારણે કિંમતી ધાતુઓમાં ફરી તેજી જોવા મળી રહી છે.
બીજી તરફ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ હજુ પણ દબાણ હેઠળ છે. બ્રેન્ટ ક્રૂડ આશરે 72.10 ડોલર અને WTI ક્રૂડ 69.68 ડોલર પ્રતિ બેરલની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. ક્રૂડના ભાવમાં નરમાઈને કારણે ભારત સહિત તેલ આયાત કરતા દેશોને રાહત મળી રહી છે.
બજારના નિષ્ણાતોના મતે, જો વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ નીચા સ્તરે જળવાઈ રહેશે તો આગામી સમયમાં પેટ્રોલ, ડીઝલ અને અન્ય પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવમાં પણ રાહત મળવાની શક્યતા છે.











