શ્રીનગર: 3 જુલાઈથી શરૂ થનારી પવિત્ર અમરનાથ યાત્રા-2026ને લઈને જમ્મુ-કાશ્મીર પ્રશાસને યાત્રાળુઓ માટે બસ, ટેક્સી અને કેબના સત્તાવાર ભાડા જાહેર કર્યા છે. યાત્રા દરમિયાન વધુ ભાડું વસૂલવાની ફરિયાદો અટકાવવા અને મુસાફરોને પારદર્શક સેવા મળે તે માટે આ દરો નક્કી કરવામાં આવ્યા છે.
પ્રશાસને જણાવ્યું છે કે જાહેર કરાયેલા દર કરતાં વધુ ભાડું વસૂલનાર વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. યાત્રાળુઓને મુસાફરી પહેલાં સત્તાવાર ભાડાની યાદી ચકાસવા અને કોઈપણ ગેરરીતિ અંગે તાત્કાલિક ફરિયાદ નોંધાવવા અપીલ કરવામાં આવી છે.
નવી યાદી મુજબ પહલગામથી જમ્મુ બસનું ભાડું રૂ.424 અને ટેક્સીનું રૂ.959 રહેશે, જ્યારે શ્રીનગરથી જમ્મુ બસ માટે રૂ.468 અને કેબ માટે રૂ.1,035 નક્કી કરાયા છે. શ્રીનગરથી બાલતાલ બસનું ભાડું રૂ.175 અને ટેક્સીનું રૂ.386, જ્યારે બાલતાલથી જમ્મુ બસ માટે રૂ.643 અને કેબ માટે રૂ.1,421 રહેશે.
આ ઉપરાંત શ્રીનગરથી પહલગામ બસનું ભાડું રૂ.173 અને ટેક્સીનું રૂ.384 જાહેર કરાયું છે. જમ્મુથી શ્રીનગર જતી સેમી-ડિલક્સ, ડિલક્સ અને એસી બસોના ભાડા પણ અનુક્રમે રૂ.468, રૂ.649 અને રૂ.793 નક્કી કરવામાં આવ્યા છે.
યાત્રા દરમિયાન સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે સમગ્ર રૂટ પર પોલીસ અને સુરક્ષા દળોની વધારાની તૈનાતી કરવામાં આવી છે. લાખો શ્રદ્ધાળુઓની સલામત અને સુવિધાજનક યાત્રા સુનિશ્ચિત કરવા પ્રશાસન દ્વારા તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે.











