હૈદરાબાદ: રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે સોનાની દાણચોરીનો મોટો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. કુઆલાલંપુરથી આવેલા બે ભારતીય મુસાફરો પાસેથી અંદાજે 2.272 કિલોગ્રામ સોનાની પેસ્ટ જપ્ત કરવામાં આવી છે, જેની બજાર કિંમત આશરે રૂ.3.36 કરોડ હોવાનું જણાવાયું છે.
કસ્ટમ્સના એર ઈન્ટેલિજન્સ યુનિટે એડવાન્સ પેસેન્જર ઈન્ફોર્મેશન સિસ્ટમ (APIS) અને ડીઆરઆઈ પાસેથી મળેલી ચોક્કસ બાતમીના આધારે બંને મુસાફરોને તપાસ માટે રોક્યા હતા. તપાસ દરમિયાન તેમની જીન્સમાં ખાસ રીતે તૈયાર કરાયેલા ગુપ્ત પાઉચ મળી આવ્યા, જેમાં સોનાની પેસ્ટ ભરીને કુશળતાપૂર્વક છુપાવવામાં આવી હતી.
અધિકારીઓએ બંને મુસાફરોની ધરપકડ કરી સોનું જપ્ત કર્યું છે. પ્રાથમિક તપાસમાં સોનું કમરના ભાગે બેલ્ટની અંદર ખાસ બનાવેલા ખાંચામાં છુપાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.
કસ્ટમ્સ વિભાગ હવે આ દાણચોરી પાછળ સંકળાયેલા નેટવર્ક, સપ્લાય ચેઇન અને અન્ય સંભવિત આરોપીઓ સુધી પહોંચવા માટે વધુ તપાસ કરી રહ્યું છે.











