જેતપુર: જેતપુર શહેરના લક્ષ્મીનગર વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડના એક બંધ ક્વાર્ટર પર ગેરકાયદેસર કબજો જમાવવાનો અને મકાન માલિકને ધમકી આપવાનો આરોપ સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ મામલામાં આરોપી તરીકે નામ સામે આવેલા રવી નિમાવત સ્થાનિક સ્તરે આમ આદમી પાર્ટી (AAP) સાથે સંકળાયેલા કાર્યકર્તા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, હાલ મુંબઈમાં રહેતા 64 વર્ષીય હનીફભાઈ ગફારાભાઈ બાલાપરીયાએ વર્ષ 2005માં જેતપુરના ત્રણ માળીયા હાઉસિંગ બોર્ડમાં આવેલ બ્લોક નંબર L-182 ખરીદ્યો હતો. વર્ષ 2015 બાદ તેઓ પરિવાર સાથે મુંબઈ સ્થાયી થઈ જતા ક્વાર્ટરને તાળું મારી બંધ રાખવામાં આવ્યું હતું.
ફરિયાદી જ્યારે આશરે આઠ મહિના અગાઉ પોતાના મકાનની મુલાકાતે આવ્યા ત્યારે ક્વાર્ટરમાં અન્ય વ્યક્તિનો સામાન જોવા મળ્યો હતો. પૂછપરછ દરમિયાન રવી નિમાવતે ત્યાં પોતે રહેતો હોવાનો દાવો કર્યો હતો. ફરિયાદી દ્વારા મકાન ખાલી કરવા કહેતા બંને વચ્ચે બોલાચાલી થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ફરિયાદ મુજબ, તાજેતરમાં ફોન પર થયેલી વાતચીત દરમિયાન આરોપીએ ક્વાર્ટર ખાલી નહીં કરવાની તેમજ ફરી સંપર્ક કરશો તો ગંભીર પરિણામ ભોગવવા પડશે તેવી ધમકી આપી હતી. સાથે જ ક્વાર્ટર પોતે ખરીદ્યું હોવાનું પણ જણાવ્યું હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ છે.
આ મામલે જેતપુર સીટી પોલીસે ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. કેસની તપાસ હેડ કોન્સ્ટેબલ દેવલભાઈ નટવરલાલ ગાજીપરાને સોંપવામાં આવી છે.
પોલીસ દ્વારા સમગ્ર ઘટનાક્રમની તપાસ હાથ ધરવામાં આવી છે અને બંને પક્ષોના દાવા-પ્રતિદાવાની ચકાસણી કરવામાં આવશે. ઘટનાને પગલે સ્થાનિક સ્તરે પણ ચર્ચાઓનો માહોલ ગરમાયો છે.











