જેતપુર: શહેરના વ્યસ્ત એમ.જી. રોડ પર આવેલા સ્ટેન્ડ ચોક નજીક આજે એક ઓટો રીક્ષામાં અચાનક આગ ફાટી નીકળતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ રીક્ષાના વાયરિંગમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આખી રીક્ષા બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે, સદનસીબે રીક્ષાચાલકનો આબાદ બચાવ થયો હતો અને કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
મળતી માહિતી અનુસાર, રીક્ષાચાલક મનસુરભાઈ અશરફભાઈ મેમણ સ્ટેન્ડ ચોક પાસે પોતાની રીક્ષા સ્ટાર્ટ કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતાં ફટાકિયા થયા હતા અને તુરંત જ આગ ભભૂકી ઊઠી હતી. આગ લાગતાં જ ચાલકે સમયસૂચકતા દાખવી રીક્ષાની બહાર નીકળી જઈ પોતાનો બચાવ કર્યો હતો.
ઘટના બાદ સ્થાનિક લોકો અને રીક્ષાચાલકે આગ પર કાબૂ મેળવવા પાણીનો મારો ચલાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગની તીવ્રતા વધતાં પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. ત્યારબાદ જેતપુર-નવાગઢ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
ફાયર જવાનોએ ઝડપી કામગીરી હાથ ધરી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં રીક્ષાનો મોટાભાગનો ભાગ આગની ઝપેટમાં આવી બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાના કારણે થોડા સમય માટે એમ.જી. રોડ પર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી.
સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા નોંધાઈ નથી. આગના ચોક્કસ કારણ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.











