જેતપુર: જેતપુર શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. છેલ્લા ઘણા દિવસોથી અસહ્ય ગરમી અને ઉકળાટથી ત્રસ્ત બનેલા લોકો માટે મેઘરાજાએ રાહતના સમાચાર આપ્યા છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ જતાં તાલુકાના વિવિધ ગામોમાં ધીમીધારે વરસાદી ઝાપટાં વરસ્યા હતા.
ખીરસરા, ખજૂરીગુંદાળા, અમરનગર, સ્ટેશન વાવડી સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદના આગમન સાથે જ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને ગરમીથી રાહત અનુભવાઈ હતી.
ખાસ કરીને ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થયો છે. ખરીફ પાકની વાવણી કરી ચૂકેલા ખેડૂતો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. મેઘમહેર શરૂ થતાં ખેતરોમાં જરૂરી ભેજ મળશે અને પાકના વિકાસને વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વરસાદી માહોલના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં કુદરતી સૌંદર્ય પણ ખીલી ઉઠ્યું છે. લાંબા સમય બાદ મેઘરાજાની પધરામણી થતાં સમગ્ર પંથકમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે, જેના કારણે ખેડૂતો અને નાગરિકોમાં આશાવાદ જોવા મળી રહ્યો છે.











