બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતના મામલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. અભિનેતાના અવસાનને 6 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે, પરંતુ આજે પણ તેમના ચાહકો આ આઘાતમાંથી બહાર આવી શક્યા નથી અને તેના મોતનું રહસ્ય અકબંધ છે. હવે સુશાંત સિંહ રાજપૂતના આ વણઉકેલાયેલા કેસ અને તેની પાછળના વિવાદો પર એક મોટી બોલિવૂડ ફિલ્મ બનવા જઈ રહી છે, જેનું સત્તાવાર પોસ્ટર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મને ‘સોરી બાબુ’ (Sorry Babu) નામ આપવામાં આવ્યું છે, જેણે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી છે.
મોત બાદ ભારે ચર્ચામાં રહ્યો હતો આ શબ્દ
સુશાંત સિંહ રાજપૂતના રહસ્યમય મોત અને ત્યારબાદ સર્જાયેલા વિવાદો પર આધારિત આ ફિલ્મનું નામ ‘સોરી બાબુ’ રાખવા પાછળ એક મોટું કારણ છે. અભિનેતાના મૃત્યુ બાદ તપાસ દરમિયાન કૂપર હોસ્પિટલના શબઘર (Mortuary) સાથે જોડાયેલા ઘટનાક્રમમાં આ શબ્દ ભારે વિવાદોમાં રહ્યો હતો. આ ફિલ્મમાં સુશાંતના મોત સાથે જોડાયેલા કેટલાક વણસ્પર્શ્યા પાસાઓ અને વિવાદોને મોટા પડદા પર દર્શાવવામાં આવશે.
સત્ય ટૂંક સમયમાં સામે આવશે: મેકર્સનો દાવો
‘સોરી બાબુ’ ફિલ્મનું ફર્સ્ટ લુક પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. આ ફિલ્મનું નિર્માણ ‘એસએસઆર ફિલ્મ્સ’ના બેનર હેઠળ કરવામાં આવી રહ્યું છે, જ્યારે બોલિવૂડના જાણીતા ડાયરેક્ટર દીપક ભાગવત આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે.
ફિલ્મનું પોસ્ટર શેર કરતા મેકર્સ ફેન્સે કેપ્શનમાં લખ્યું છે કે,
“સત્ય ટૂંક સમયમાં જ સામે આવશે. એક એવી વાર્તા જે સવાલો ઉભા કરશે, સત્યની રેખાઓ દોરશે અને દરેક દર્શકને વિચારવા પર મજબૂર કરી દેશે. એક પછી એક તમામ લોકોના ચહેરા પરથી નકાબ ઉતરી જશે.”
મુખ્ય ભૂમિકામાં જોવા મળશે કેસનો ચશ્મદીદ ગવાહ
આ ફિલ્મની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ‘સોરી બાબુ’ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં સુજીત સિંહ રાઠોડ નજરે પડશે. સુજીત સિંહ રાઠોડ એ જ વ્યક્તિ છે જે સુશાંત સિંહ રાજપૂત કેસમાં કૂપર હોસ્પિટલના વિવાદ દરમિયાન મુખ્ય ચશ્મદીદ ગવાહ (Eyewitness) તરીકે સામે આવ્યા હતા. આ મૂવી કૂપર હોસ્પિટલના એવા રહસ્યો પરથી પડદો ઉઠાવશે જે અત્યાર સુધી લોકોની નજરથી દૂર રહ્યા છે. જો કે, આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે તે અંગે મેકર્સ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી.
Post Views: 0











