UPSC પ્રિલિમ્સનું પરિણામ જાહેર: દેશની સૌથી પ્રતિષ્ઠિત સિવિલ સેવા મુખ્ય પરીક્ષા માટે 13,343 ઉમેદવારો ક્વોલિફાય, 1,016 જગ્યાઓ માટે જંગ

UPSC દ્વારા સોમવારે સિવિલ સેવા પ્રારંભિક (Prelims) પરીક્ષાનું પરિણામ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે. આ વર્ષે દેશભરમાંથી કુલ 13,343 ઉમેદવારોએ પ્રિલિમ્સની વૈતરણી પાર કરીને મુખ્ય (Mains) પરીક્ષા માટે ક્વોલિફાય કર્યું છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ગત 24 મેના રોજ દેશના વિવિધ કેન્દ્રો પર પ્રિલિમ્સ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.

UPSC દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે, “સિવિલ સર્વિસ પરીક્ષા 2026 અંતર્ગત નોટિફાય કરાયેલી કુલ ૧,૦૧૬ વેકેન્સી (જગ્યાઓ) સામે સિવિલ સર્વિસ (મેન્સ) પરીક્ષા ૨૦૨૬ માટે કુલ ૧૩,૩૪૩ ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે.” જો ગત વર્ષ ૨૦૨૫ સાથે તેની સરખામણી કરીએ તો, ગયા વર્ષે ૧,૦૮૭ રિક્તિઓ સામે કુલ ૧૪,૧૬૧ ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે સફળ જાહેર થયા હતા.

UPSC દ્વારા દર વર્ષે આ પ્રતિષ્ઠિત પરીક્ષા ત્રણ તબક્કામાં – પ્રિલિમ્સ, મેન્સ અને ઇન્ટરવ્યુ/પર્સનાલિટી ટેસ્ટમાં લેવામાં આવે છે. આ પ્રક્રિયા દ્વારા જ દેશના ટોચના વહીવટી અધિકારીઓ જેવા કે ભારતીય વહીવટી સેવા (IAS), ભારતીય વિદેશ સેવા (IFS) અને ભારતીય પોલીસ સેવા (IPS) સહિતની કેન્દ્રીય સેવાઓ માટે પસંદગી કરવામાં આવે છે.

મુખ્ય પરીક્ષા (Mains) માટે મહત્વની માર્ગદર્શિકા

પરીક્ષાના નિયમો અનુસાર, પ્રિલિમ્સમાં સફળ થયેલા તમામ ઉમેદવારોએ મુખ્ય પરીક્ષામાં બેસવા માટે પોતાની વિગતો અપડેટ કરવી પડશે અને ₹૨૦૦ની ફી જમા કરાવવાની રહેશે. જો કે, મહિલાઓ, PwBD (દિવ્યાંગો), SC અને ST વર્ગના ઉમેદવારોને આ ફીમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. આ ઉપરાંત, જે ઉમેદવારોને સ્ક્રાઇબ (લખવા માટે મદદગાર) ની સુવિધા, સહાયક ઉપકરણો અથવા મોટા ફોન્ટવાળા પ્રશ્નપત્રની જરૂર હોય, તેમણે પણ આ વિન્ડો દરમિયાન પોતાની માહિતી અપડેટ કરવાની રહેશે.

પોર્ટલ પર લોગ-ઇન અને ફાઇનલ સબમિશન ફરજિયાત

આયોગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે સિવિલ સેવા પરીક્ષા નિયમાળી ૨૦૨૬ મુજબ, મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થયેલા તમામ ઉમેદવારોએ સત્તાવાર પોર્ટલ (https://upsconline.nic.in) પર લોગ-ઇન કરવું અનિવાર્ય છે. ઉમેદવારોએ પોતાની વિગતોની ચકાસણી કરીને અથવા તેને અપડેટ કરીને ફોર્મ ‘ફાઇનલ સબમિટ’ કરવાનું રહેશે, જેથી આયોગ તેમનું ઈ-એડમિટ કાર્ડ (e-Admit Card) જારી કરી શકે. જે ઉમેદવારો આ પ્રક્રિયા પૂર્ણ નહીં કરે, તેમને મુખ્ય પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં.

ધ્યાન આપો: જે ઉમેદવારોએ અગાઉ જ પોતાના તમામ જરૂરી દસ્તાવેજો અપલોડ કરી દીધા છે અને તેમની પાસે કોઈ નવી વિગત ઉમેરવાની નથી, તેમણે પણ પોર્ટલ પર લોગ-ઇન કરીને વિગતો વેરિફાય કર્યા બાદ ‘FINAL SUBMIT’ બટન દબાવવું ફરજિયાત છે.

કટ-ઓફ માર્ક્સ અને આન્સર-કી ક્યારે જાહેર થશે?

UPSC એ સ્પષ્ટ કર્યું છે કે સિવિલ સેવા પ્રિલિમ્સ પરીક્ષા ૨૦૨૬ ના ગુણ (Marks), કટ-ઓફ માર્ક્સ (Cut-off Marks) અને સત્તાવાર ઉત્તરોની ચાવી (Answer Keys) અત્યારે જાહેર કરવામાં આવશે નહીં. સિવિલ સેવા પરીક્ષા ૨૦૨૬ અને ભારતીય વન સેવા (IFoS) પરીક્ષા ૨૦૨૬ ની સંપૂર્ણ પસંદગી પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ એટલે કે અંતિમ પરિણામ (Final Result) જાહેર થયા પછી જ આ તમામ વિગતો આયોગની સત્તાવાર વેબસાઇટ https://upsc.gov.in પર અપલોડ કરવામાં આવશે.

પરીક્ષા સંબંધિત કોઈ પણ મૂંઝવણ, સમસ્યા કે સ્પષ્ટતા માટે ઉમેદવારો આયોગના હેલ્પલાઇન કોલ સેન્ટર નંબર 011-40303444 / 24041001 પર સવારે ૯:૦૦ વાગ્યાથી રાત્રે ૮:૦૦ વાગ્યાની વચ્ચે સંપર્ક કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE