બાળકોને ડિજિટલ દુનિયાના જોખમો, ઓનલાઈન દૂષણો અને સ્ક્રીનની ઘાતક લતમાંથી મુક્ત કરવા માટે બ્રિટનની સરકારે એક અત્યંત મોટો અને કડક નિર્ણય લીધો છે. બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે સોમવારે એક ઐતિહાસિક જાહેરાત કરતા જણાવ્યું છે કે દેશમાં ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવશે. સરકારનું સ્પષ્ટ માનવું છે કે કિશોરોને હાનિકારક ઓનલાઈન કન્ટેન્ટ અને અતિશય સ્ક્રીન ટાઈમના કારણે થતા માનસિક તેમજ શારીરિક નુકસાનથી બચાવવા માટે આ આકરો કાયદો લાવવો સમયની માગ છે.
વડાપ્રધાન કીર સ્ટાર્મરનું પાવરફુલ એલાન
લંડન સ્થિત પોતાના સત્તાવાર નિવાસસ્થાન ‘ડાઉનિંગ સ્ટ્રીટ’ ખાતે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા પીએમ સ્ટાર્મરે સાફ કર્યું હતું કે, બાળકો અને કિશોરો દ્વારા ઉપયોગમાં લેવાતી તમામ અગ્રણી સોશિયલ મીડિયા સેવાઓ અને એપ્સને આ કડક પ્રતિબંધના દાયરામાં લાવવામાં આવશે. તેમણે વૈશ્વિક ટેક કંપનીઓને પણ કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે જો તેઓ આ નિયમોનો વિરોધ કરશે અથવા તેના અમલીકરણમાં આનાકાની કરશે, તો સરકાર તેમની સામે પૂરી કડકાઈથી નિપટશે.
વડાપ્રધાનનું નિવેદન: “હું મારા દેશના બાળકોની સુરક્ષા અને તેમની ખુશીઓ સાથે કોઈ પણ પ્રકારનું સમજોતો કરવા બિલકુલ તૈયાર નથી. ઇન્ટરનેટ પર બાળકોને કેવી રીતે સુરક્ષિત રાખવા, તે આપણા સમયની સૌથી મોટી અને ગંભીર ચર્ચાઓમાંની એક છે.”
ઓસ્ટ્રેલિયા કરતાં પણ વધુ કડક હશે બ્રિટનનો કાયદો
આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા ‘એસોસિએટેડ પ્રેસ’ ના અહેવાલ અનુસાર, બ્રિટનનું આ નવું ઓનલાઈન સેફ્ટી બિલ વિશ્વના સૌથી કડક કાયદાઓમાંથી એક બનવા જઈ રહ્યું છે. પીએમ સ્ટાર્મરે સંકેત આપ્યા છે કે બ્રિટનનો આ નવો આઇટી મોડલ તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયા દ્વારા લાવવામાં આવેલા સોશિયલ મીડિયા બેન કાયદા કરતાં પણ વધુ કડક અને વ્યાપક હશે.
એઆઈ ચેટબોટ્સ અને ગેમિંગ પર પણ કસાશે સકંજો
બ્રિટિશ અખબાર ‘દ સંડે ટાઇમ્સ’ ના રિપોર્ટ મુજબ, બ્રિટન સરકાર આ પ્રતિબંધનો વ્યાપ માત્ર ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે ટિકટોક જેવા પરંપરાગત સોશિયલ મીડિયા એપ્સ સુધી જ મર્યાદિત રાખવા નથી માગતી. આ કાયદા અંતર્ગત:
-
એઆઈ (AI) ચેટબોટ્સ અને ઓનલાઈન ગેમિંગ ફીચર્સ પર પણ કડક નિયંત્રણો લાદવા પર વિચારણા ચાલી રહી છે.
-
મોટી ઉંમરના કિશોરોને મોડી રાત સુધી ફોનની સ્ક્રીન સ્ક્રોલ કરતા રોકવા માટે એક ખાસ ‘ડિજિટલ કરફ્યુ સિસ્ટમ’ બનાવવાની પણ યોજના છે.
૧.૧૬ લાખ લોકોના જાહેર અભિપ્રાય બાદ લેવાયો નિર્ણય
આ મોટા કાયદાને આખરી ઓપ આપતા પહેલા બ્રિટિશ સરકારે દેશના નાગરિકો પાસેથી મોટા પાયે ફીડબેક લીધો હતો. આ જાહેર પરામર્શ (Public Consultation) દરમિયાન દેશના વાલીઓ, બાળકો અને ટેક ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓ તરફથી આશરે ૧,૧૬,૦૦૦ જેટલા પ્રતિભાવો મળ્યા હતા.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, બ્રિટનના ઇતિહાસમાં આ અત્યાર સુધીનો બીજા ક્રમનો સૌથી મોટો લોક-અભિપ્રાય છે. આ અગાઉ વર્ષ ૨૦૧૨માં જ્યારે ‘સમાન લગ્ન કાયદો’ (સેમ સેક્સ મેરેજ બિલ) લાવવામાં આવ્યો હતો. ત્યારે જ આટલી મોટી સંખ્યામાં લોકોએ પોતાની રાષ્ટ્રીય રાય આપી હતી.
Post Views: 0











