અબડાસા તાલુકાના વાયોર-ગરડા પથક વિસ્તારમાં આવેલી કંપની સામે સ્થાનિક ગ્રામજનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. એક જાગૃત નાગરિક જાડેજા કિશોરસિંહ જીવણજી વાયોર દ્વારા કંપની સામે અનેક ગંભીર મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ કંપનીના કારણે પર્યાવરણ, આરોગ્ય, રોજગાર અને ગામના વિકાસ પર નકારાત્મક અસર પડી રહી છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ કંપનીમાંથી નીકળતા ધુમાડા, ધૂળ અને કેમિકલયુક્ત કચરાના કારણે હવા તથા પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે. સાથે જ કંપનીમાં થતા ભારે અવાજના કારણે ગામલોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રદૂષણની અસર ખેતી અને પશુઓ પર પણ પડી રહી હોવાનું લોકોનું કહેવું છે.
સ્થાનિક યુવાનોમાં બેરોજગારીનો મુદ્દો પણ ગંભીર બન્યો છે. ગામના યુવકોને પૂરતી નોકરી આપવામાં આવતી નથી અને બહારના લોકોને વધુ પ્રાથમિકતા આપવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગ્રામજનોની માંગ છે કે કંપનીમાં સ્થાનિક યુવકોને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવે તેમજ સ્કિલ ડેવલપમેન્ટ અને ટ્રેનિંગની વ્યવસ્થા શરૂ કરવામાં આવે.
પ્રદૂષણના કારણે ગામમાં શ્વાસ, એલર્જી અને ત્વચાના રોગોમાં વધારો થતો હોવાનો પણ લોકોનો આક્ષેપ છે. ખાસ કરીને વૃદ્ધો અને બાળકોના આરોગ્ય પર તેની ગંભીર અસર પડી રહી છે. પીવાના પાણીની ગુણવત્તા અંગે પણ ગ્રામજનોમાં ચિંતા વ્યાપી છે. ગામમાં નિયમિત આરોગ્ય ચકાસણી કેમ્પ અને મેડિકલ સુવિધા વધારવાની માંગ ઉઠી છે.
કંપનીની હોસ્પિટલ અંગે પણ ગ્રામજનોએ રોષ વ્યક્ત કર્યો હતો. અગાઉ કંપનીની હોસ્પિટલમાં ગામલોકોને મફત સારવાર અને દવાઓ આપવામાં આવતી હતી, પરંતુ હાલ સારવાર માટે ચાર્જ લેવામાં આવતા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મુશ્કેલી પડી રહી હોવાનું જણાવાયું છે. ગ્રામજનો દ્વારા ફરીથી મફત સારવાર શરૂ કરવાની માંગ કરવામાં આવી છે.
આ ઉપરાંત કંપનીની બાજુમાં આવેલા લેબર કેમ્પ દ્વારા ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ પણ ઉઠાવવામાં આવી છે. ભારે વાહનોના અવરજવરથી ગામના રસ્તાઓ ખરાબ થઈ રહ્યા છે અને અકસ્માતનો ભય વધી રહ્યો હોવાનું ગ્રામજનોનું કહેવું છે.
ગ્રામજનોનું કહેવું છે કે અગાઉ કંપની તરફથી પશુઓ માટે ઘાસચારો આપવામાં આવતો હતો, જે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે. સાથે જ CSR હેઠળ ગામના વિકાસ માટે પૂરતો સહયોગ પણ આપવામાં આવતો નથી.
ગામલોકોએ માંગ કરી છે કે કંપની દ્વારા પ્રદૂષણ નિયંત્રણના કડક પગલાં લેવામાં આવે, કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવે અને પર્યાવરણ સુરક્ષા નિયમોનું પાલન કરવામાં આવે. તેમજ ગામલોકો અને કંપની વચ્ચે નિયમિત બેઠક યોજીને પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.
Post Views: 157











