PF ખાતાધારકો માટે મોટા સમાચાર: હવે ફોર્મ ભર્યા વગર સીધા ATMથી ઉપાડી શકાશે રોકડ, જાણો સમગ્ર પ્રક્રિયા

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) તેના આશરે 7.8 કરોડથી વધુ સબ્સ્ક્રાઇબર્સ માટે એક ક્રાંતિકારી અને અત્યંત સરળ સુવિધા શરૂ કરવા જઈ રહ્યું છે. મે મહિનાના અંત સુધીમાં EPFO દ્વારા ATM અને UPI દ્વારા ફંડ ઉપાડવાની નવી સિસ્ટમ લોન્ચ કરવાની પૂરી તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ સુવિધાનો મુખ્ય ઉદ્દેશ્ય કર્મચારીઓને ઈમરજન્સીના સમયે કોઈપણ પ્રકારની કાગળની કાર્યવાહી કે લાંબી રાહ જોયા વિના તાત્કાલિક નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. અત્યાર સુધી PF ના પૈસા ઉપાડવા માટે ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ સરેરાશ 7 થી 10 દિવસનો સમય લાગતો હતો.પરંતુ હવે નવી ટેકનોલોજીની મદદથી આ પ્રક્રિયા સેકન્ડોમાં પૂર્ણ થઈ શકશે..

આ નવી સિસ્ટમ હેઠળ EPFO તેના સભ્યોને એક વિશેષ ATM કાર્ડ જારી કરશે જે સીધું તેમના PF એકાઉન્ટ સાથે લિંક હશે. જેના દ્વારા કોઈપણ મશીનમાંથી રોકડ ઉપાડી શકાશે. આ ઉપરાંત, સભ્યો પોતાના PF એકાઉન્ટને Google Pay અથવા PhonePe જેવી UPI એપ્લિકેશન સાથે લિંક કરી ₹1 લાખ સુધીની રકમ સીધી પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી શકશે. EPFO 3.0 અંતર્ગત ઓટો-ક્લેમ સેટલમેન્ટની સુવિધા પણ આપવામાં આવી છે. જેમાં ક્લેમ દાખલ કરતાની સાથે જ તે મેન્યુઅલ ચેકિંગ વગર ઓટોમેટિક મંજૂર થઈ જશે. જોકે, આ સુવિધા માટે સભ્યનો યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) સક્રિય હોવો અને તે આધાર, પાન (PAN) તથા બેંક ખાતા સાથે લિંક હોવો અનિવાર્ય છે.

નિયમો મુજબ, સભ્યો તેમના ખાતામાં જમા કુલ રકમના મહત્તમ 50% સુધીનો જ ઉપાડ આ પદ્ધતિથી કરી શકશે. જો કોઈ સભ્યની નોકરી છૂટી જાય, તો તે એક મહિના પછી 75% અને બે મહિના બાદ બાકીની પૂરેપૂરી રકમ ઉપાડી શકે છે. ટેક્સના નિયમો વિશે વાત કરીએ તો, જો કર્મચારીએ પાંચ વર્ષની સેવા પૂર્ણ કરી હોય તો ઉપાડ પર કોઈ આવકવેરો લાગતો નથી.પરંતુ પાંચ વર્ષથી ઓછી સેવાના કિસ્સામાં PAN કાર્ડ રજૂ કરવું જરૂરી રહેશે. નિષ્ણાતોના મતે, આ સુવિધાથી સામાન્ય માણસને મુશ્કેલીના સમયે મોટી રાહત મળશે. પરંતુ નિવૃત્તિના ભંડોળને સુરક્ષિત રાખવા માટે માત્ર અત્યંત જરૂરિયાત હોય ત્યારે જ આ સુવિધાનો ઉપયોગ કરવો સલાહભર્યું છે.

Leave a Comment

READ MORE

READ MORE