ત્રિનિદાદ અને ટોબેગોના વડાપ્રધાન કમલા પ્રસાદ-બિસેસરે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026માં ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને BJPને અભિનંદન પાઠવ્યા છે. તેમણે આ જીતને ‘ઐતિહાસિક અને શાનદાર જનાદેશ’ ગણાવ્યો હતો. વડાપ્રધાન કમલા પ્રસાદ-બિસેસરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જાહેર કરેલા સંદેશમાં જણાવ્યું કે, આ જીત ભારતના લોકશાહીની મજબૂતી દર્શાવે છે.
‘બંગાળમાં BJPની જીત ભારતીય રાજનીતિનો એક મહત્વનો પડાવ’
કમલા પ્રસાદ-બિસેસરે કહ્યું કે, પ્રથમ વખત BJPએ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી છે..જે ભારતીય રાજનીતિમાં એક મોટો અને મહત્વપૂર્ણ બદલાવ માનવામાં આવી રહ્યો છે.તેમણે પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, ‘આ ઐતિહાસિક સિદ્ધિ ભારતની લોકશાહી સંસ્થાઓની મજબૂતી દર્શાવે છે.પશ્ચિમ બંગાળ જેવા મોટા રાજ્યમાં BJPની આ પ્રથમ જીત ભારતીય રાજનીતિનો એક મહત્વનો પડાવ છે.’ કમલા પ્રસાદ-બિસેસરે પશ્ચિમ બંગાળની વસ્તીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, 10 કરોડથી વધુ વસ્તી ધરાવતા આ રાજ્યમાં મળેલો જનાદેશ અત્યંત મહત્વપૂર્ણ છે.
‘ભારતની જનતાનો વિશ્વાસ સતત જીતી રહ્યા છે પીએમ મોદી’
કમલા પ્રસાદ-બિસેસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું, ‘ભારત આજે વિશ્વની સૌથી મોટી લોકશાહી બનીને ગર્વ સાથે ઊભું છે. વડાપ્રધાન મોદીનું શાંત, શિસ્તબદ્ધ અને દૃઢ નેતૃત્વ વૈશ્વિક પરિવર્તન અને તકોના આ યુગમાં ભારતીય જનતાનો વિશ્વાસ સતત જીતી રહ્યું છે.’ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં BJPએ શાનદાર પ્રદર્શન કરતા 207 બેઠકો પર જીત મેળવી છે. પાર્ટી હવે રાજ્યમાં સરકાર બનાવવાની તૈયારીમાં લાગી ગઈ છે.આ સાથે જ રાજ્યમાં 15 વર્ષથી સત્તામાં રહેલી મમતા બેનર્જીના નેતૃત્વવાળી TMC સરકારનો અંત આવ્યો છે.
‘ભારત સાથેના સંબંધોને વધુ મજબૂત કરવા માટે ઉત્સાહિત’
ત્રિનિદાદ અને ટોબેગોના વડાપ્રધાને પોતાના નિવેદનમાં એ પણ જણાવ્યું કે તેમનો દેશ ભારત સાથેના સંબંધોને વધુ મજબૂત કરવા માટે ઉત્સાહિત છે. તેમણે વિદેશ મંત્રી એસ. જયશંકરની આગામી મુલાકાતનું સ્વાગત કરતા કહ્યું કે બંને દેશો પરસ્પર સહયોગ અને સંબંધોને આગળ વધારવા માટે સતત કામ કરી રહ્યા છે.વિદેશ મંત્રી એસ.જયશંકર હાલમાં 2 થી 10 મે સુધી જમૈકા, સુરીનામ અને ત્રિનિદાદ અને ટોબેગોના ત્રણ દેશોના સત્તાવાર પ્રવાસે છે. વડાપ્રધાનના સંદેશ બાદ જયશંકરે પણ X પર પ્રતિક્રિયા આપી તેમનો આભાર માન્યો હતો.
કમલા પ્રસાદ-બિસેસરની પોસ્ટ પર જયશંકરે આપ્યો જવાબ
કમલા પ્રસાદ-બિસેસરની વધાઈ પર જવાબ આપતા જયશંકરે લખ્યું, ‘વડાપ્રધાન કમલા પ્રસાદ-બિસેસર, તમારા ઉષ્માભર્યા સ્વાગત સંદેશ માટે આભાર. હું ટૂંક સમયમાં ત્રિનિદાદ અને ટોબેગો પહોંચવા અને તમારી સાથે મળીને ભારત-ત્રિનિદાદ અને ટોબેગોના સંબંધોને વધુ મજબૂત કરવા માટે ઉત્સાહિત છું.’ વડાપ્રધાન કમલા પ્રસાદ-બિસેસરે જણાવ્યું હતું કે ભારત અને ત્રિનિદાદ અને ટોબેગોના સંબંધો સહિયારા લોકશાહી મૂલ્યો, મજબૂત સાંસ્કૃતિક અને જનસંપર્ક સંબંધો તથા વિકાસ અને આંતરરાષ્ટ્રીય સહયોગ પર આધારિત છે.
Post Views: 91











