પશ્ચિમ બંગાળમાં રાજકીય સંગ્રામ: મમતા બેનર્જીનો પદ છોડવાનો ઇનકાર, નવી સરકારની રચનાની તૈયારીઓ તેજ

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ રાજ્યમાં અભૂતપૂર્વ રાજકીય સ્થિતિ સર્જાઈ છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ચૂંટણીમાં પરાજય બાદ પણ પોતાના પદ પરથી રાજીનામું આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. મમતાએ આક્ષેપ કર્યો છે કે, તેઓ ચૂંટણીમાં હાર્યા નથી.. પરંતુ તેમને હરાવવામાં આવ્યા છે. તેમણે ઈવીએમ લૂંટના ગંભીર આરોપો લગાવતા જણાવ્યું છે કે, આ જનાદેશ નથી પણ છેતરપિંડી છે. જેના કારણે તેઓ સીએમ પદ છોડવા તૈયાર નથી.

બીજી તરફ, ચૂંટણી પંચે રાજ્યમાં નવી વિધાનસભાની રચના માટેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડી દીધું છે.મુખ્ય ચૂંટણી અધિકારી મનોજ કુમાર અગ્રવાલે આ નોટિફિકેશન રાજ્યપાલને મોકલી આપ્યું છે.જેની સાથે જ રાજ્યમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ જાહેર કરવામાં આવી છે.મુખ્યમંત્રીના રાજીનામા અંગે પંચે સ્પષ્ટતા કરી છે કે, આ બાબત રાજ્યપાલ અને રાષ્ટ્રપતિના અધિકારક્ષેત્રમાં આવે છે અને તેમાં ચૂંટણી પંચની કોઈ સીધી ભૂમિકા નથી.

રાજ્યમાં નવી સરકારની રચના માટેની તૈયારીઓ ભાજપ દ્વારા જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે. કોલકાતામાં 8 મેના રોજ ભાજપ ધારાસભ્ય દળની એક મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી છે. જેમાં પક્ષના નેતાની પસંદગી કરવામાં આવશે.આ પ્રક્રિયા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને નિરીક્ષક અને ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીને સહ-નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે..બંગાળમાં નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ 9 મેના રોજ રવિન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિના દિવસે યોજાય તેવી શક્યતા છે.

મુખ્યમંત્રી પદની રેસમાં અત્યારે શુભેન્દુ અધિકારીનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે..શુભેન્દુ અધિકારીએ ભવાનીપુરની હાઈપ્રોફાઈલ બેઠક પર મમતા બેનર્જીને હરાવીને ભાજપ માટે મજબૂત પક્ષ રજૂ કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામ પર મહોર લાગી શકે છે. જોકે, મમતા બેનર્જીના આક્રમક તેવર અને રાજીનામું આપવાના ઇનકારને જોતા આગામી દિવસોમાં બંગાળમાં બંધારણીય કટોકટી જેવી સ્થિતિ સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE