ગુજરાત હાઈકોર્ટે 2013ના બળાત્કાર કેસમાં દોષિત ઠરેલા સ્વયંભૂ ધર્મગુરુ આસારામના પુત્ર નારાયણ સાંઈને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે તેની સજા સસ્પેન્ડ (મોકૂફ) કરવાની અરજી ફગાવી દીધી છે. નોંધનીય છે કે, સુરતની નીચલી અદાલતે ફટકારેલી આજીવન કેદની સજા સામે નારાયણ સાંઈની મુખ્ય અપીલ હાલ હાઈકોર્ટમાં પડતર છે.
કોર્ટના ચુકાદાના મુખ્ય અંશો:
-
ગુનાની ગંભીરતા: ન્યાયાધીશ ઈલેશ વોરા અને ન્યાયાધીશ આર.ટી. વાછાણીની ખંડપીઠે સોમવારે (૪ મે) આદેશ પસાર કરતા જણાવ્યું હતું કે, ગુનાની ગંભીરતા જોતા પ્રથમ દૃષ્ટિએ એવું કહી શકાય નહીં કે અરજદાર નિર્દોષ છૂટવાની વાજબી તક ધરાવે છે.
-
ન્યાયિક પ્રક્રિયામાં વિલંબ: અદાલતે નોંધ્યું કે નારાયણ સાંઈ છેલ્લા ૧૧ વર્ષથી જેલમાં છે.પરંતુ2019થી પેન્ડિંગ તેની મુખ્ય અપીલની અંતિમ સુનાવણીમાં તેણે પૂરતો સહકાર આપ્યો નથી.
-
અરજીઓનો મારો: કોર્ટે અવલોકન કર્યું કે અરજદારે અપીલના નિકાલને બદલે વચગાળાના કે કાયમી જામીન મેળવવા માટે અનેક અરજીઓ કરી છે. કોર્ટના મતે, નારાયણ સાંઈને અપીલની ઝડપી સુનાવણીમાં રસ નથી અને તેઓ વિવિધ રીતે ન્યાયિક કાર્યવાહીમાં વિલંબ કરી રહ્યા છે.
કેસની પૃષ્ઠભૂમિ:
૨૦૧૩માં એક ભૂતપૂર્વ મહિલા ભક્તે નારાયણ સાંઈ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં એપ્રિલ ૨૦૧૯માં સુરતની સેશન્સ કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી હતી. સજાના ગાળા દરમિયાન તે અનેકવાર પેરોલ કે ફર્લો પર જેલની બહાર આવ્યો છે, પરંતુ હાલમાં સજા પર સ્ટે મેળવવાની તેની કોશિશ નિષ્ફળ રહી છે.
Post Views: 0











