મહિલા અનામત કાયદો 2023 લાગુ થયો, પરંતુ હાલ નહીં મળે અનામતનો લાભ: જાણો તકનીકી કારણો

કેન્દ્રીય કાયદા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી સૂચના અનુસાર, વિધાનસભાઓમાં મહિલાઓને 33 ટકા અનામત આપતો મહિલા અનામત અધિનિયમ 2023 ગુરુવારથી અમલમાં આવી ગયો છે. જોકે, સંસદમાં આ કાયદામાં સુધારો કરીને તેને 2029 માં લાગુ કરવા અંગે ચાલી રહેલી ચર્ચા વચ્ચે, 2023 ના આ અધિનિયમને 16 એપ્રિલથી શા માટે સૂચિત (notified) કરવામાં આવ્યો તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.

અત્યારે નહીં મળે અનામતનો લાભ

એક અધિકારીએ આ કાયદાને અમલમાં લાવવા માટે “તકનીકી કારણો”નો ઉલ્લેખ કર્યો હતો.પરંતુ તે અંગે વિગતવાર માહિતી આપી નથી.અધિકારીએ જણાવ્યું કે, અધિનિયમ લાગુ તો થઈ ગયો છે. પરંતુ વર્તમાન ગૃહમાં આ અનામતનો અમલ કરી શકાય તેમ નથી.વધુમાં જણાવ્યા મુજબ, આગામી વસ્તી ગણતરીના આધારે સીમાંકન (Delimitation) પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ મહિલાઓ માટે અનામત લાગુ કરી શકાશે. આ મુજબ, અધિનિયમ લાગુ થયો હોવા છતાં વર્તમાન લોકસભામાં મહિલાઓને તેનો તાત્કાલિક લાભ મળી શકશે નહીં.

સૂચનામાં શું લખ્યું છે?

સત્તાવાર ગેઝેટ સૂચનામાં જણાવાયું છે કે: “બંધારણ (106મો સુધારો) અધિનિયમ, 2023ની કલમ 1ની પેટા-કલમ (2) દ્વારા આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને, કેન્દ્ર સરકાર આથી ઉક્ત અધિનિયમની જોગવાઈઓ લાગુ કરવાની તારીખ તરીકે 16 એપ્રિલ, 2026 નિયુક્ત કરે છે.”

નારી શક્તિ વંદન અધિનિયમની પૃષ્ઠભૂમિ

સપ્ટેમ્બર 2023 માં, સંસદે વિધાયક સંસ્થાઓમાં મહિલાઓના પ્રતિનિધિત્વને વધારવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરતા નારી શક્તિ વંદન અધિનિયમ પસાર કર્યો હતો.. જે સામાન્ય રીતે મહિલા અનામત અધિનિયમ તરીકે ઓળખાય છે. આ કાયદામાં લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓ માટે એક તૃતીયાંશ (33%) બેઠકો અનામત રાખવાની જોગવાઈ છે. 2023 ના મૂળ કાયદા હેઠળ, અનામત 2034 પહેલા લાગુ થવાની શક્યતા નહોતી, કારણ કે તે 2027 ની વસ્તી ગણતરી પછીની સીમાંકન પ્રક્રિયા સાથે જોડાયેલું હતું. જોકે, લોકસભામાં હાલમાં વિચારાધીન ત્રણેય બિલો સરકાર દ્વારા એટલા માટે લાવવામાં આવ્યા છે જેથી 2029 માં મહિલા ક્વોટા લાગુ કરી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE