બિહારના રાજકારણમાંથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મંગળવારે બિહારના નવા મુખ્યમંત્રીના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.ભાજપના દિગ્ગજ નેતા સમ્રાટ ચૌધરી બિહારના નવા મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે..સમ્રાટ ચૌધરીને ભાજપ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા છે.
અગાઉ, નીતિશ કુમારે રાજ્યસભાના સભ્ય બન્યા બાદ બિહારના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. સીએમ તરીકેના પોતાના અંતિમ સંદેશમાં નીતિશ કુમારે કહ્યું હતું કે, “હું હવે જઈ રહ્યો છું.પરંતુ નવી સરકારને મારું માર્ગદર્શન મળતું રહેશે.” નોંધનીય છે કે, બિહારમાં પ્રથમ વખત ભાજપના મુખ્યમંત્રી તરીકે સમ્રાટ ચૌધરી શપથ લેશે.
શું બોલ્યા સમ્રાટ ચૌધરી?
ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ સમ્રાટ ચૌધરીનું પ્રથમ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું:
“ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વએ મારા પર વિશ્વાસ મૂકીને મને બિહાર ભાજપ વિધાનમંડળ દળના નેતાની જવાબદારી સોંપી છે, તે બદલ હું હૃદયપૂર્વક આભાર માનું છું. આ મારા માટે માત્ર એક પદ નથી.પરંતુ બિહારની જનતાની સેવા, તેમના વિશ્વાસ અને સપનાઓને સાકાર કરવાની એક પવિત્ર તક છે. હું સંપૂર્ણ નિષ્ઠા, સમર્પણ અને પ્રામાણિકતા સાથે લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો સંકલ્પ લઉં છું.”
તેમણે વધુમાં ઉમેર્યું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કુશળ નેતૃત્વ અને રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નબીનના માર્ગદર્શનમાં હું બિહારને વિકાસ, સુશાસન અને સમૃદ્ધિના નવા શિખરો પર લઈ જવા નિરંતર પ્રયત્નશીલ રહીશ.આપ સૌનો સ્નેહ અને આશીર્વાદ જ મારી સૌથી મોટી શક્તિ છે. જય બિહાર, જય ભારત!”
આ પળ ભવ્ય અને ઐતિહાસિક છે: શિવરાજ સિંહ
કેન્દ્રીય નિરીક્ષક શિવરાજ સિંહ ચૌહાણે સમ્રાટ ચૌધરીની પસંદગી પર ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “આજની આ પળ ભવ્ય અને ઐતિહાસિક છે. જનસંઘના સમયથી કાર્યકર્તાઓએ પોતાનું જીવન સમર્પિત કરીને ભાજપના સંગઠનને ઊભું કર્યું છે.તેમનું સપનું આજે સાકાર થઈ રહ્યું છે.હું સમ્રાટ ચૌધરીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ધારાસભ્ય દળના તમામ સાથીઓનો આભાર માનું છું જેમણે સર્વસંમતિથી તેમને પોતાના નેતા તરીકે પસંદ કર્યા છે.”
Post Views: 38










