હોર્મુઝ નાકાબંધી પાસે આવ્યા તો ઉડાવી દઈશું…’,ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને આખરી ચેતવણી; જાણો શું છે સમગ્ર વિવાદ

મધ્ય પૂર્વ (Middle East) માં પરિસ્થિતિ દિનપ્રતિદિન સ્ફોટક બની રહી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, જે પણ જહાજ કે નાવ અમેરિકી નાકાબંધીની નજીક આવશે તેને તાત્કાલિક નેસ્તનાબૂદ કરી દેવામાં આવશે. અહેવાલો મુજબ, અમેરિકાએ ઈરાની બંદરો તરફ આવતા-જતા જહાજોને રોકવા માટે આ વ્યૂહાત્મક કદમ ઉઠાવ્યું છે.

પરમાણુ મુદ્દે વાટાઘાટો નિષ્ફળ જતાં લેવાયો નિર્ણય

અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ મુદ્દે ચાલી રહેલી વાતચીત નિષ્ફળ ગયા બાદ ટ્રમ્પ વહીવટીતંત્રે દબાણ વધારવા માટે આ કડક નિર્ણય લીધો છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે, અમેરિકા કોઈપણ સંજોગોમાં ઈરાનને પરમાણુ હથિયાર હાંસલ કરવા દેશે નહીં.

ટ્રમ્પે શું આપી ધમકી?

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ કરતા ટ્રમ્પે લખ્યું કે, ઈરાની નૌકાદળને સંપૂર્ણપણે તબાહ કરી દેવામાં આવશે. ટ્રમ્પે ઈરાનના ‘ફાસ્ટ એટેક શિપ્સ’ (ઝડપી હુમલાખોર નૌકાઓ) નો ઉલ્લેખ કરતા કહ્યું કે, ઈરાન પાસે હાલમાં 158 જેટલા આવા જહાજો સમુદ્રમાં છે. ઈરાન આ હાઈ-સ્પીડ નૌકાઓનો ઉપયોગ હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માંથી પસાર થતા મોટા જહાજોને નિશાન બનાવવા માટે કરે છે. આ નૌકાઓનું સંચાલન ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સના હાથમાં હોય છે.

ઈરાનનો વળતો પ્રહાર: ‘અમારી પાસે અકસીર હથિયારો તૈયાર છે’

અમેરિકાની આ નાકાબંધીને ઈરાને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવીને યુદ્ધની ઉશ્કેરણી ગણાવી છે.ઈરાનના સૈન્ય સલાહકાર અને રિવોલ્યુશનરી ગાર્ડના પૂર્વ કમાન્ડર મોહસેન રેઝાઈએ જણાવ્યું કે, “અમેરિકાની નાકાબંધીનો સામનો કરવા માટે ઈરાની સશસ્ત્ર દળો પાસે એવા અનેક શક્તિશાળી હથિયારો છે જેનો અત્યાર સુધી ઉપયોગ પણ કરવામાં આવ્યો નથી.” ઈરાને દાવો કર્યો છે કે હોર્મુઝ પર હજુ પણ તેમનું જ વર્ચસ્વ છે અને તેમની મંજૂરી વગર ત્યાં કોઈ હિલચાલ શક્ય નથી.

Leave a Comment

READ MORE

READ MORE