પાન મસાલા જાહેરાત કેસ: સલમાન ખાનને હાઈકોર્ટની મોટી રાહત, હાલ કોર્ટમાં પેશ થવામાંથી મળી મુક્તિ

બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને રાજસ્થાન હાઈકોર્ટે મોટી રાહત આપી છે. હવે સલમાન ખાનને 13 એપ્રિલના રોજ જયપુર જિલ્લા ગ્રાહક આયોગ-II સમક્ષ હાજર થવાની જરૂર નથી. અગાઉ આયોગે સલમાન ખાન વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું.હાઈકોર્ટના આદેશ બાદ હાલ પૂરતી સલમાન ખાનની મુશ્કેલીઓ ઓછી થઈ છે.

શું છે સમગ્ર મામલો?

આ મામલો યોગેન્દ્ર સિંહ બડિયાલ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ સાથે જોડાયેલો છે. તેમણે પાન મસાલા બ્રાન્ડ અને તેના બ્રાન્ડ એમ્બેસેડર સલમાન ખાન પર ભ્રામક જાહેરાતો બતાવવાનો આરોપ લગાવ્યો છે. આ ઉત્પાદનોનો પ્રચાર ‘કેસર-યુક્ત ઈલાયચી’ અને ‘કેસર-યુક્ત પાન મસાલા’ તરીકે કરવામાં આવ્યો હતો. ફરિયાદીનો તર્ક છે કે, પાન મસાલાના સેવનથી કેન્સર જેવી ગંભીર બીમારીઓ થાય છે. તેમ છતાં આવી જાહેરાતો દ્વારા સુરક્ષા અને ગુણવત્તા વિશે ખોટી છાપ ઊભી કરવામાં આવી રહી છે.

જાહેરાતો પર પ્રતિબંધ છતાં લાગ્યા હતા હોર્ડિંગ્સ

6 જાન્યુઆરી, 2026ના રોજ આયોગે આ ઉત્પાદનોના પ્રચાર અને જાહેરાતો પર વચગાળાનો સ્ટે આપ્યો હતો. જોકે, અહેવાલો મુજબ 9 જાન્યુઆરીએ પણ જયપુર, કોટા અને અન્ય શહેરોમાં આ જાહેરાતોના હોર્ડિંગ્સ ચાલુ રહ્યા હતા. આયોગે તેને પોતાના આદેશનું ઉલ્લંઘન માન્યું હતું. જેને પગલે આયોગે કડક નારાજગી વ્યક્ત કરી હતી.

ધરપકડની લટકતી તલવાર વચ્ચે હાઈકોર્ટની એન્ટ્રી

ગ્રાહક આયોગે અગાઉ સલમાન ખાન વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ જારી કર્યા હતા.જેની તાજેતરમાં સુનાવણી થઈ હતી. આયોગે કડક ચેતવણી આપી હતી કે, જો 13 એપ્રિલે સલમાન હાજર નહીં થાય તો ધરપકડ વોરંટ જારી કરવામાં આવશે.જોકે, આ દરમિયાન રાજસ્થાન હાઈકોર્ટે હસ્તક્ષેપ કરીને સલમાન ખાનને આ રાહત આપી છે. હવે આ કેસમાં આગળની કાર્યવાહી હાઈકોર્ટના નિર્દેશો મુજબ ચાલશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE